વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ ટેસ્લાના માલિક અને એક સમયે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા એલન મસ્કે H-1B વિઝા મુદ્દે ભારતને સમર્થન આપ્યું છે. મસ્કે કહ્યું છે કે અમેરિકાએ વર્ષોસુધી ભારતના ટેલેન્ટનો ઉપયોગ કર્યો છે અને તેનો ખુબ ફાયદો પણ ઉઠાવ્યો છે. અમેરિકાએ H-1B વિઝા બંધ ના કરવા જોઇએ.
એક પોડકાસ્ટમાં નિખિલ કામથ સાથે વાતચીત દરમિયાન મસ્કે કહ્યું હતું કે ભારતથી જે ટેલેન્ટ આવી રહ્યું છે તેનો અમેરિકાને ઘણો ફાયદો થયો છે. અમેરિકાના જમણેરી જૂથોને લાગે છે કે અમેરિકામાં કુશળ વ્યક્તિઓએ નોકરી પર કબજો કરી લીધો છે, પરંતુ મારું વ્યક્તિગત અવલોકન કહે છે કે ટેલેન્ટેડ વ્યક્તિની હંમેશા અછત રહેશે. જો તમારે તમારો ટાસ્ક પુરો કરાવવો હોય તો તેમાં કુશળ હોય તેવી વ્યક્તિની તમને જરૂર પડશે. જેટલા ટેલેન્ટેડ લોકો હશે એટલો ફાયદો થશે. મારી કંપનીઓ પણ વિશ્વના સૌથી કુશળ વ્યક્તિઓની જ ખોજ કરતી હોય છે.
મસ્કે H-1B વિઝાના દુરુપયોગ અંગે પણ વાત કરી હતી, તેમણે દાવો કર્યો હતો કે કેટલીક કંપનીઓ સિસ્ટમ સાથે ગેમ રમી રહી છે, જેને બંધ કરવાની જરૂર છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ મને નથી લાગતુ કે H-1B વિઝા પ્રોગ્રામ બંધ કરી દેવો જોઇએ. જે લોકો H-1B વિઝા બંધ કરવા માગે છે તેમને અહેસાસ જ નથી કે આ ખરેખર ખોટું થશે. દસકાઓથી ભારતીય ડોક્ટરો, એન્જિનિયર્સ અને અન્ય કુશળ નાગરિકો H-1B વિઝાની મદદથી અમેરિકા જઇને આર્થિક રીતે સંપન્ન થયા છે.


