વોશિંગ્ટનઃ અમેરિકાએ શુક્રવારે સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સાથે છેડો ફાડયો છે અને તેનાં સભ્યપદેથી બહાર નીકળી ગયું છે. અમેરિકી આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકા ફરી WHOમાં સામેલ થવા વિચારતું નથી. અમેરિકા હવે તમામ દેશો સાથે સીધો સંપર્ક સાધીને રોગોની સારવાર તેમજ અન્ય પ્રાથમિકતાઓ અંગે કામ કરશે. અમેરિકાએ WHOને રૂ. 2380 કરોડ ચૂકવવાનાં બાકી નીકળે છે પણ અમેરિકાએ આ જંગી રકમ ચૂકવવા ઈનકાર કર્યો છે. તેણે કહ્યું છે કે અમે અગાઉથી જ જંગી રકમ WHOને આપી ચૂક્યા છીએ. અમેરિકાએ WHOને નાણાકીય સહાય કરવા ઈનકાર કરતા તેમજ WHOમાંથી બહાર નીકળી જતા હવે દુનિયાની હેલ્થ સિસ્ટમ પર ગંભીર અસરો જન્મી શકે છે. અમેરિકાનાં WHOમાંથી નીકળી જવાનાં નિર્ણયને કેટલાક દેશો કાયદાનાં ભંગ સમાન માની રહ્યા છે. અમેરિકા WHOમાંથી બહાર નીકળી ગયા પછી સમગ્ર વિશ્વને અને WHOને ભારે નુકસાન થશે તેવું કેટલાક નિષ્ણાતોનું માનવું છે.


