અમેરિકાના એટલાન્ટામાં પાટણના યુવક સમીર પટેલ પર હુમલો, ગોળીબારમાં ઘાયલ

Wednesday 21st June 2017 08:06 EDT
 
 

પાટણઃ પાટણ તાલુકાના સંડેર ગામનો યુવક સમીરભાઈ હસમુખભાઈ પટેલ (૨૫) છેલ્લા છ સાત વર્ષથી અમેરિકાના એટલાન્ટામાં તેના ગામના જ રહીશ સંજયભાઈના મોલમાં નોકરી કરી રહ્યો હતો. ભારતીય સમય મુજબ ૧૩મીએ સાંજે ૭ વાગ્યાના સુમારે મોલ બંધ કરવાનો સમય હતો ત્યારે બે અજાણ્યા બુકાનીધારીઓએ મોલમાં ઘૂસીને રિવોલ્વરથી ડરાવી રોકડની લૂંટ કરવાનો પ્રયત્ન કરતાં સમીર પર હુમલો કર્યો હતો. જેમાં એક ગોળી સમીરના માથામાંથી ઘૂસીને આરપાર નીકળી હતી. સમીરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ઘટના સીસીટીવીમાં કેદ
ઇજાગ્રસ્ત સમીરના પિતરાઈ તરુણ પટેલે જણાવ્યું કે, તે મોલમાં એકલો હતો ત્યારે લૂંટનો પ્રયાસ થયો હતો જે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસ આ ફુટેજના આધારે આરોપીઓની શોધ ચલાવી રહી છે. આ વંશીય હુમલો હોવાની પણ પોલીસને શંકા જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સમીરના પિતા હયાત નથી. તેઓની જુલાઈ, ૨૦૧૬માં ગામમાં આવેલા ઇંટના ભઠ્ઠામાં વિવાદના મામલામાં હત્યા થઈ હતી. એ પછી સમીર ઘરનો જવાબદાર દીકરો બનીને ઘર ચલાવવામાં મદદ કરતો હતો. સમીર પર અજાણ્યા બુકાનીધારીઓ દ્વારા હુમલાની જાણ થતાં જ આ મામલે વિદેશ મંત્રાલયમાં જાણ કરીને પરિવાર દ્વારા મદદ માગવામાં આવી હતી. ચિંતામગ્ન બનેલા સમીરના કુંટુંબીજનોની લાગણીઓ પરત્વે કેન્દ્ર સરકારના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ કેસમાં અંગત રસ દાખવીને પાટીદાર યુવક સમીરના માતા, બહેન, કાકા અને કાકીને સમીર પાસે પહોંચાડવા વિઝા અને ટિકિટ સહિતની જરૂરી વ્યવસ્થા કરી હતી.
બીજી તરફ, અમેરિકન પોલીસે પણ આ મામલે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે અને હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે સારવાર લઈ રહેલો આ યુવક હાલ ભયમાંથી બહાર હોવાના અહેવાલ સાંપડ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter