અમેરિકાના છ રાજ્યોમાં ૩૦ વાવાઝોડાથી વિનાશ, ૧૦૦થી વધુનાં મોત

Tuesday 14th December 2021 07:38 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના કેન્ટકી સહિત છ રાજ્યોમાં ૩૦થી વધુ વાવાઝોડાએ ભારે તબાહી વેરી છે. આ કુદરતી આફત ૧૦૦થી વધુ માનવજિંદગી ભરખી ગઇ છે. જેમાં સૌથી વધુ મૃત્યુ કેન્ટકીમાં નોંધાયા છે. કેન્ટકીનું વાવાઝોડું છેલ્લા ૧૩૦ વર્ષમાં સૌથી ખતરનાક કુદરતી આફત હતી. કેન્ટકીના ઈતિહાસમાં શનિવારની રાત સૌથી ભયાનક હતી.
આર્કાન્સાસથી કેન્ટકી થઈને છ રાજ્યોમાં નાના-મોટા ૩૦થી વધુ વાવાઝોડાંએ ભારે વિનાશ વેર્યો છે તેમ કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું. વાવાઝોડાનાં કારણે સાત રાજ્યોમાં ૩.૪૦ લાખથી વધુ ઘરો અને ઓફિસોમાં અંધારપટ છવાયો હતો. મિસૌરી, ટેનેસી અને મિસિસિપ્પીના અનેક ભાગોમાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો હોવાના અહેવાલો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એક કે તેથી વધુ વાવાઝોડાએ આર્કાન્સાસ અને કેન્ટકી એમ બે રાજ્યોમાં ૩૨૨ કિ.મી. લાંબા વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે. સૂત્રોએ ઉમેર્યું કે, ૩૨૨ કિ.મી. લાંબો માર્ગ કાપનાર આ એક જ વાવાઝોડું હોય તો વર્ષ ૧૯૨૫ પછી સૌથી લાંબો પ્રવાસ કરનારું આ પહેલું વાવાઝોડું હતું. ઈલિનોઈસ અને આર્કાન્સાસમાં પણ અનેક લોકોનાં મોત થયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે એડવર્ડ્સવિલેના ઈલિનોઈસ શહેરમાં અમેઝોનનું એક ગોડાઉન તૂટી પડયું હતું, જેમાં બે લોકો માર્યા ગયા હતા. જોકે, અનેક લોકો બચી પણ ગયા છે. હાલ નુકસાનનો અંદાજ થઈ શકે તેમ નથી, પરંતુ ત્રણ રાજ્યોમાંથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં અનેક ઈમારતો તૂટી પડી હોવાનું, વાહનો ફંગોળાયા હોવાનું જોવા મળે છે તેમજ ઈમારતોના કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાનું મનાય છે.

કેન્ટકીના ગવર્નર બેશિયરે કહ્યું કે વાવાઝોડાના કારણે કેન્ટકીમાં ૫૦થી વધુ લોકોનાં મોત થયા છે અને મૃત્યુઆંક વધીને ૧૦૦થી વધુ થવાની આશંકા છે. મેફિલ્ડમાં મીણબત્તીની એક ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. વાવાઝોડું ત્રાટક્યું ત્યારે અહીં ૧૧૦થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા. વાવાઝોડાના કારણે ગ્રેવ્સ કાઉન્ટી કોર્ટ હાઉસ અને આજુબાજુની જેલો સહિત અનેક ઈમારતોને ભારે નુકસાન થયું છે.
મિસૌરીમાં સેન્ટ ચાર્લ્સ અને સેન્ટ લુઈસ કાઉન્ટીના કેટલાક ભાગોમાં કલાકના ૧૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. સેન્ટ ચાર્લ્સ કાઉન્ટીમાં ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઓગસ્ટા, મિસૌરી નજીક વાવાઝોડાના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે.
વાવાઝોડાનાં કારણે તીવ્ર પવન ફૂંકાવાની સાથે અનેક જગ્યાએ કરાંવૃષ્ટિ પણ થઈ હતી. પૂર્વીય અમેરિકાના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટરે અગાઉ ઓહિયો અને ટેનેસીની ખીણોમાંથી ઉત્તરીય ખાડી રાજ્યોમાં તીવ્ર આંધી ફૂંકાવાની આગાહી કરી હતી.
અહેવાલ મુજબ મોનેટમાં અધિકારીઓએ ઈમર્જન્સીની સ્થિતિ જાહેર કરીને રહેવાસીઓને સલામત સ્થળે આશ્રય લેવા જણાવ્યું હતું. ઉત્તર પૂર્વીય અર્કાન્સસ, ઉત્તર પશ્ચિમી ટેનેસી અને દક્ષિણ પૂર્વી મિસૌરીમાં અનેક કાઉન્ટીઓ માટે શુક્રવારની રાતે જ વાવાઝોડાની ચેતવણી જાહેર કરાઈ હતી.

૭ રાજ્યોમાં સંખ્યાબંધ મકાન તબાહ
આ વાવાઝોડાઓના કારણે સાત રાજ્યોમાં ૩.૪૦ લાખથી વધુ મકાનો અને ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેમાં ટેનેસીમાં ૧.૩૭ લાખ મકાનો અને કેન્ટકીમાં ૭૦,૦૦૦થી વધુ મકાનોનો સમાવેશ થાય છે. આર્કાન્સાસથી ઈન્ડિયાનામાં પણ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાની અસર મોટાભાગે મધ્ય અને દક્ષિણ અમેરિકાના ભાગ પર થઈ હતી.

ટોર્નેડો જેવી આફતો માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર: બાઈડેન
અમેરિકાનાં પાંચ રાજ્યોમાં સર્જાયેલા ૩૦ જેટલા પ્રચંડ શક્તિશાળી ટોર્નેડો જેવી કુદરતી આફતો માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે તેમ યુએસ પ્રમુખ જો બાઈડેને કહ્યું હતું. આ વિનાશક ટોર્નેડોમાં માર્યા ગયેલા વધુ મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરતા તેમણે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જને કારણે વાતાવરણમાં ખતરનાક પ્રતિકૂળતાઓ સર્જાય છે જેનો ભોગ આખરે માનવીઓ બને છે. કરોડો ડોલરનું નુકસાન થાય છે.
બાઈડેને ડેલાવેરનાં વિલ્મિંગ્ટન ખાતે મૃતકોને શ્રદ્ધાસુમન અર્પતા કહ્યું હતું કે, સરકાર દ્વારા તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં પીડિત લોકોને તમામ પ્રકારની સહાય અપાશે. તેમણે વાવાઝોડાગ્રસ્ત રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરી હતી અને ટોર્નેડોમાં તારાજ થયેલા કેન્ટકી માટે સહાયનાં આદેશો આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter