અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે ઇન્ટરવ્યુનો વેઇટિંગ પીરિયડ 3 વર્ષ પર પહોંચ્યો

Wednesday 30th November 2022 05:37 EST
 
 

નવી દિલ્હીઃ અમેરિકાના બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા મેળવવામાં ભારતીય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલીવાર ટુરિસ્ટ અથવા તો બિઝનેસ વિઝા મેળવવા એપોઇન્ટમેન્ટમાં 3 વર્ષનું લાંબુ વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. કોરોના મહામારી પછી અમેરિકાએ એપ્લિકેશન પ્રોસેસ શરૂ કર્યા બાદ અમેરિકાના વિઝા ઇચ્છતા ભારતીયોની કતાર ઘણી લાંબી થઇ છે.
બી-વન અને બી-ટુ વિઝા માટે મુંબઇમાં 999 દિવસ, હૈદરાબાદમાં 994 દિવસ, દિલ્હીમાં 961 દિવસ, ચેન્નઇમાં 948 દિવસ, કોલકાતામાં 904 દિવસનો વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે. તેનો અર્થ એ થયો કે ભારતમાં પહેલીવાર વિઝિટર વિઝા માટે અરજી કરનારે અને ડ્રોપ બોક્સ એપ્લિકેશન માટે ક્વોલિફાય નહીં થયેલા અરજદારોએ વિઝા ઇન્ટર્વ્યુ માટે ઓછામાં ઓછા 3 વર્ષની રાહ જોવી પડશે. ઇન્ટર્વ્યુ ડેટ મેળવવામાં જ 2025 આવી જાય તેવી સંભાવના છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, નવેમ્બર 2022માં બી-વન અને બી-ટુ વિઝા માટેની ઇન્ટર્વ્યુ એપોઇન્ટ મેળવવાનો ગ્લોબલ વેઇટ ટાઇમ બે મહિનાનો હતો. જોકે ઇમર્જન્સી એપોઇન્ટમેન્ટ થોડા દિવસોમાં જ પ્રાપ્ત થઇ જાય છે. અમે બને તેટલી ઝડપથી વેઇટિંગ પીરિયડ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
ક્યાં કેટલો વેઇટિંગ પીરિયડ
• મુંબઇ – 999 દિવસ • હૈદરાબાદ – 994 દિવસ • દિલ્હી – 961 દિવસ • ચેન્નઇ – 948 દિવસ • કોલકાતા – 904 દિવસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter