વોશિંગ્ટનઃ અમેરિકામાં સૈન્ય માટે શસ્ત્રો બનાવતા એક પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ થતાં 19ના મોત નીપજ્યા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાના જારી થયેલા ફુટેજમાં ટેનેસીના હિકમેન કાઉન્ટીમાં એક પ્લાન્ટમાં સળગતો કાટમાળ દેખાય છે. ટેનેસીના શેરિફે જણાવ્યું છે કે આ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં તેનો કાટમાળ એક કિલોમીટર સુધી ઉડ્યો હતો અને તેનો અવાજ 25 કિલોમીટર સુધી સંભળાયો હતો. જોકે એ જાણી શકાયું નથી કે વિસ્ફોટ વખતે પ્લાન્ટમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટનું કારણ પણ જાણવા મળ્યું નથી. એવું કહેવાય છે કે ટેક્નિકલ ક્ષતિના કારણોસર આ ઘટના બની હતી. આજુબાજુના ઘરોમાં પણ વિસ્ફોટના આંચકા અનુભવાયા હતા. વિસ્ફોટની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.