વોશિંગ્ટનઃ અમેરિકામાં નવા H-1B વિઝા નિયમોને એપલ, એમેઝોન, ટ્વિટર, ફેસબૂક, માઈક્રોસોફ્ટ, ગૂગલ, એચપી જેવી અગ્રણી ટેકનોલોજી કંપની સહિત ૪૬ જેટલી કંપનીઓ અને બિઝનેસ ઓર્ગેનાઈઝેશને કોર્ટમાં પડકાર્યો છે. આ કંપનીઓની ફરિયાદ છે કે નવા નિયમોને કારણે તેમના માટે ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાનું મુશ્કેલ બનશે. યુએસનાં H-1B વિઝા પ્રોગ્રામને કારણે દેશની ઈકોનોમી તેમજ અમેરિકાનાં કર્મચારીઓને અગણિત ફાયદો થયો છે. કંપનીઓની ઉત્પાદકતા વધી છે. અમેરિકાની ઈકોનોમીનું કદ વધ્યું છે.
અમેરિકાને મંદીમાંથી બહાર લાવવામાં મુશ્કેલી
કંપનીઓએ ફરિયાદ કરી હતી કે, નવા DHS તેમજ DOL નિયમોને કારણે અમેરિકાની કંપનીઓ તેમજ બિઝનેસ સંસ્થાઓને ઉચ્ચ લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતીમાં તકલીફ પડશે. આશરે ૩૩ ટકા નવી વિઝા અરજીઓને નકારાશે. પરિણામે H-1B વિઝા કાર્યક્રમોને કારણે અમેરિકાને મળતા લાભમાં ઘટાડો થશે. કોરોનાની મહામારીને લીધે મંદીમાં પટકાયેલી અમેરિકાની ઈકોનોમીમાં રિકવરી લાવવાનું મુશ્કેલ બનશે.
કંપનીઓની એ પણ ફરિયાદ હતી કે, નવા નિયમોને કારણે તેમને ભરપાઈ ન કરી શકાય તેટલું નુકસાન થશે. આખી યુએસ ઈકોનોમીને નુકસાન થશે. કંપનીઓને હાલના કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડશે. હાથ પરનાં પ્રોજેક્ટ ખોરવાશે. પ્રોજેક્ટ ખર્ચ વધશે. અમેરિકાની બહાર કામ કરાવવાની ફરજ પડશે.
લોટરી દ્વારા અપાતા એસ-૧બી વિઝા બંધ
ટ્રમ્પ સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને એચ-૧બી વિઝા આપવા માટેની કમ્પ્યૂટરાઇઝ્ડ લોટરી સિસ્ટમની જગ્યાએ વેતન આધારિત પસંદગી પ્રક્રિયા અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નવી વ્યવસ્થા માટેનું જાહેરનામું ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરાઇ રહ્યું છે. ગૃહ સુરક્ષા વિભાગે તાજેતરમાં કહ્યું કે, હિતધારકો જાહેરનામા અંગે ૩૦ દિવસમાં જવાબ આપી શકે છે. લોટરી સિસ્ટમ બંધ થવાથી અમેરિકી કર્મચારીઓનાં ભથ્થાં પરનું દબાણ ઘટશે જે દર વર્ષે ઓછા વેતનવાળા એચ-૧બી વિઝાધારકો આવવાથી પડે છે. અમેરિકા દર વર્ષે લોટરી સિસ્ટમથી ૮૫ હજાર એચ-૧બી વિઝા જારી કરે છે. જોકે આ સિસ્ટમથી ભારતીયો સહિત અમેરિકામાં વસવા માગતા વિદેશીઓને ભારે ફટકો પડી શકે છે.