અમેરિકાના સર્જન જનરલ પદે ડો. વિવેક મૂર્તિ

Wednesday 31st March 2021 04:34 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન ફિઝિશિયન વિવેક મૂર્તિની અમેરિકાના ૨૧મા સર્જન જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ તેઓ બિડેન સરકારમાં સૌથી ઊંચો રેન્ક ધરાવતા ભારતીય-અમેરિકન બન્યા છે. અમેરિકામાં તબીબી ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન ધરાવતી આ નવી ભૂમિકા અંતર્ગત તેઓ કોરોના વાઇરસની મહામારીને જડમૂળથી નાબૂદ કરવાના મુદ્દાને પ્રાધાન્ય આપશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. લાખો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને તેનાથી પણ અનેકગણા લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે.
૪૩ વર્ષના ડો. મૂર્તિએ ૨૫ માર્ચે શપથગ્રહણ વિધિ બાદ જણાવ્યું હતુ કે ‘સર્જન જનરલ તરીકે શપથ લઈને સન્માનની લાગણી અનુભવું છું. આ સિદ્ધિ માટે હું મારા પરિવારનો ખૂબ જ આભારી છું, જેમણે દરેક પગલે મને સમર્થન આપ્યું છે.’ અમેરિકાના હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસના સેક્રેટરી ઝેવિયર બેસેરાએ મૂર્તિને દેશના ટોચના ડોક્ટર તરીકે શપથ લેવડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ડો. મૂર્તિએ બીજી વખત અમેરિકાના સર્જન જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અગાઉ ૨૦૧૧માં પ્રેસિડન્ટ બરાક ઓબામાએ તેમને આ જવાબદારી સોંપી હતી અને ડો. મૂર્તિએ આ જવાબદારીને સુપેરે નિભાવી હતી.
ડો. મૂર્તિએ જણાવ્યું હતું કે, ‘હું તમારા બધા સાથે મળીને મહામારીનો અંત લાવવા સજ્જ છું. ઉપરાંત, હું એવા વિશ્વનું નિર્માણ કરવા માંગું છું જ્યાં સારું આરોગ્ય દરેકના હાથમાં હોય.’
ડો. મૂર્તિ હવે બિડેન સરકારમાં સૌથી ઊંચો રેન્ક ધરાવતા ભારતીય અમેરિકન છે. તેમણે કહ્યું કે ‘હું રાષ્ટ્રના ડોક્ટરોનો આ હોદ્દો સંભાળવા અને મહામારીને નાબૂદ કરવાની દિશામાં મદદ કરવા તૈયાર છું. હું વિજ્ઞાનનો અવાજ બનીને આપણા રાષ્ટ્રને પુનઃ નિર્માણ અને સ્વસ્થતાના માર્ગે લઈ જવા માટે કામ કરીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter