અમેરિકાનાં ૩૧ રાજ્યોમાં બાળકોને પોલિયો જેવા રોગથી લકવો!

Thursday 29th November 2018 02:36 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં એક અજાણી બીમારીએ લોકોમાં ભારે ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે. એક્યૂટ ફ્લાસિડ માઈલિટાઇસ (એએફએમ) નામના રોગ તરીકે તેનું પ્રારંભિક નિદાન કરવામાં આવ્યું છે. આ અજાણ્યા રોગના કારણે લકવો થઈ જતાં ૧૧૬ બાળકોનું જીવન ગંભીર છે. અમેરિકાનાં ૩૧ રાજ્યોમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં પણ ધ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા ૧૭૦ કેસની તપાસ કરવામાં આવી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આવા કેસમાં સાડા ત્રણ ગણો વધારો નોંધાયો છે.

ડોક્ટર્સ આ રોગના મૂળ સુધી પહોંચવા વિવિધ સંશોધન કરી રહ્યાં છે. સૂત્રોના મતે સામાન્ય ફ્લૂના લક્ષણોથી શરૂ થયેલી આ બીમારીમાં બાળકોને અંતે લકવો થઈ જાય છે. કેટલાક કિસ્સામાં મોત થવાની પણ શક્યતાઓ જોવાઈ છે. ૧૯૦૦ના દાયકાની આસપાસ લાખો લોકો આ રોગનો ભોગ બન્યા હોવાનું પણ ઈતિહાસમાં નોંધાયું છે. ચેપી વાઇરસને કારણે ફેલાતો આ રોગ ત્યારે પણ અજાણ્યો હતો અને આજે પણ તેના વિશે વિગતે માહિતી નથી.

કોલોરાડો રાજ્ય આ રોગનું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. અહીંયાં આ વર્ષે અત્યાર સુધીમાં ૧૫ કેસ નોંધાયા છે. ત્યારબાદ ટેક્સાસનો નંબર આવે છે જેમાં પણ ૧૪ કેસ નોંધવામાં આવ્યા છે. સૂત્રોના મતે કુલ ૩૧ રાજ્યોમાં બાળકો અને યુવાનો આ રોગના ભોગ બન્યા છે. ૩૧ રાજ્યોમાંથી કુલ ૨૮૬ લોકોમાં આ રોગના લક્ષણ જોવામાં આવ્યા હતા. તેમાંથી ૧૭૦ લોકોની ગંભીર તપાસ થઈ છે. ૧૧૬ લોકોને આ રોગ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે, આ કેસના ૯૦ ટકા દર્દીઓની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે અને તેમાં પણ સરેરાશ ઉંમર ૪ વર્ષની આસપાસ છે.

એક્યૂટ ફ્લાસિડ માયલિટાઈસ

  • માયલિટાઈસનો અર્થ કરોડ-રજ્જુમાં બળતરા થાય છે.
  • ટ્રાન્સવર્સ માયલિટાઈસના નામે પણ આ રોગને ઓળખવામાં આવે છે.
  • કરોડરજ્જુની આસપાસની ચરબી નષ્ટ થાય છે અને વ્યક્તિને પેરાલિસિસ થાય છે.
  • દર્દીને કરોડરજ્જુમાં બળતરાથી આ રોગની શરૂઆત થાય છે પણ ધીમે ધીમે લક્ષણો બદલાય છે અને દર્દી લંગડાતું ચાલે છે અને ધીમે ધીમે તેના અંગો નબળા પડતા જાય છે.
  • હાથ-પગ, માથું, જીભ અને આંખોના હલનચલનમાં મુશ્કેલી પડે છે. શરીર પરનું જ નિયંત્રણ ગુમાવી દે છે. આ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter