અમેરિકાની આઝાદીના 250 વર્ષઃ ટ્રમ્પનો બંધારણીય અધિકારોના રક્ષણનો સંકલ્પ

Tuesday 07th July 2026 13:49 EDT
 
 

વોશિંગ્ટનઃ સમગ્ર અમેરિકા આઝાદીના 250 વર્ષની શાનદાર ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંધારણીય સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, યુનાઈટેડ સ્ટેટ્સ તેની સ્વતંત્રતાના 250 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશના સ્થાપનાકાળના સિદ્ધાંતો રાષ્ટ્રની ઓળખના કેન્દ્રમાં રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાને મહાન ગણાવ્યું હતું અને વિપક્ષ પર પ્રહાર કરતા ચેતવણી આપી કે, આપણી ભૂમિ પર સામ્યવાદી - માર્ક્સવાદી વિચારધારાનો ખતરો ફરી વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પહોંચતા ‘ઈન્ડિપેન્ડન્સ ડે પરેડ’ રદ કરાઇ હતી. અમેરિકાને 4 જુલાઈ 1776ના રોજ બ્રિટન પાસેથી આઝાદી મળી હતી.
સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ માઉન્ટ રશમોર ખાતે બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકનોને અપાયેલા અધિકારો દેશની સ્થાપનામાં રહેલા છે અને તેને ભાવિ પેઢીઓ માટે સાચવી રાખવા જોઈએ. આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે અમેરિકન સંસ્કૃતિ વિના અમેરિકન સ્વતંત્રતા શક્ય નથી. અને અમેરિકન લોકો વિના અમેરિકાની સ્થાપના શક્ય નથી. તેમણે કહ્યું હતું કે એક બંધારણ એટલું જ મજબૂત હોય છે જેટલા તેને જાળવી રાખવા માટે જવાબદાર લોકો અને સંસ્કૃતિ મજબૂત હોય છે. જ્યાં સુધી આપણે યાદ રાખશું - અને આપણે હંમેશા યાદ રાખવું જ પડશે - કે આપણે કોણ છીએ અને આપણું અસ્તિત્વ શેના માટે છે ત્યાં સુધી યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હંમેશ માટે મુક્ત પુરુષો અને મહિલાઓની ભૂમિ રહેશે, અને આપણે ક્યારેય અસફળ થઈશું નહીં.’
ટ્રમ્પે અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા અને હથિયાર રાખવાના અધિકારને અમેરિકન લોકશાહીની મુખ્ય લાક્ષણિકતાઓ ગણાવી હતી. ‘તમારો જન્મ અહીં થયો હોય તે જરૂરી નથી, પરંતુ આપણે જે નિર્માણ કર્યું છે તેને તમારે પ્રેમ કરવો પડશે. તમારે દેશને પ્રેમ કરવો જ પડશે.’ તેમ ટ્રમ્પે કહ્યું હતું.
250મા સ્વતંત્રતા પર્વે મોદીની શુભેચ્છા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને દેશના ઐતિહાસિક 250મા સ્વતંત્રતા દિન નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે સમગ્ર દેશવાસીઓ વતી અમેરિકાના લોકોને આ અવસરે શુભેચ્છા આપી હતી. મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી માત્ર વ્યૂહાત્મક નથી, પરંતુ લોકશાહી, કાયદાના શાસન અને જનશક્તિમાં રહેલા સહિયારા વિશ્વાસ પર આધારિત છે. આ મિત્રતા વૈશ્વિક કલ્યાણ માટે મજબૂત તાકાત સાબિત થઈ રહી છે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે આગામી 250 વર્ષ અમેરિકા માટે વધુ શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ લાવનારા બની રહેશે. ભારત-અમેરિકાની ભાગીદારી ભવિષ્યમાં નવા શિખરો સર કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જશે.
આતશબાજીનો મેગા-શો
250મા સ્વતંત્રતા દિન પ્રસંગે દેશભરમાં વિવિધ સ્થળે ભવ્ય આતશબાજી, પરેડ અને ડ્રોનશો યોજાયા હતા, જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વોશિંગ્ટનમાં તો આતશબાજીનો વિશ્વ રેકોર્ડ બનાવાયો હતો. અહીં, નેશનલ મોલ પર 40 મિનિટ સુધી ચાલેલા મેગા-શોમાં 8.5 લાખથી વધુ ફટાકડા ફોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter