ન્યૂ યોર્ક: પ્રસિદ્ધ ભારતવંશી લેખક વેદ મહેતાનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે. ત્રણ વર્ષની વયે આંખની રોશની ગુમાવનારા મહેતાએ દૃષ્ટિહીનતાને ક્યારેય નબળાઈ ન બનવા દીધી. તે ૨૦મી સદીના પ્રસિદ્ધ લેખક તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે તેમની રચનાઓથી અમેરિકી લોકોનો ભારત અને ભારતના લોકો સાથે પરિચય કરાવ્યો. ન્યૂ યોર્કર મેગેઝિને શનિવારે તેમના નિધનની જાણકારી આપી હતી. મહેતાએ મેગેઝિન સાથે આશરે ૩૩ વર્ષ સુધી કામ કર્યુ. મહેતાનો જન્મ દેશના ભાગલા પૂર્વે લાહોરમાં ૧૯૩૪માં એક પંજાબી પરિવારમાં થયો હતો.
બે ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં
મેનેન્જાઈટિસને લીધે ત્રણ વર્ષની વયે તેમની આંખોની રોશની જતી રહી હતી. તેમના પિતાએ તેમને દાદરની બ્લાઈન્ડ સ્કૂલમાં ભણવા મોકલ્યા. પછી તેમણે બ્રિટન અને અમેરિકામાં અભ્યાસ કર્યો અને અમેરિકામાં જ વસી ગયા. દૃષ્ટિહીન હોવા છતાં તેમનાં પુસ્તકોમાં કોઈ દૃશ્યનું એટલું જીવંત વર્ણન હોય કે વાચક માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય કે તે જોઈ શકે છે નહીં? આધુનિક ભારતના ઈતિહાસ અને દૃષ્ટિહીનતાને લીધે તેમના પ્રારંભિક સંઘર્ષ પર આધારિત ૧૨ પોઈન્ટવાળું તેમનું સંસ્મરણ ‘કોન્ટીનેન્ટ્સ ઓફ એક્સાઈલ’ ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું. તેનો પ્રથમ અંક ‘ડેડી જી’ આખી દુનિયામાં પ્રસિદ્ધ થયો. તેમણે કુલ બે ડઝનથી વધુ પુસ્તક લખ્યાં. તેમાં ભારત પરના રિપોર્ટ પણ સામેલ છે.
૧૯૮૨માં જિનિયસ ગ્રાન્ટ માટે પસંદગી
તેમની પ્રસિદ્ધ કૃતિઓમાં વોકિંગ ધ ઈન્ડિયા સ્ટ્રીટ્સ (૧૯૬૦), પોટ્રેટ ઓફ ઈન્ડિયા(૧૯૭૦) અને મહાત્મા ગાંધી એન્ડ હિઝ અપાસલ (૧૯૭૭) સામેલ છે. સાથે જ તેમણે દર્શન, ધર્મશાસ્ત્ર અને ભાષાવિજ્ઞાન પર અનેક રચનાઓ લખી. ૧૯૮૨માં મહેતાને મેકઆર્થર ફાઉન્ડેશન દ્વારા જિનિયસ ગ્રાન્ટ માટે પસંદ કરાયા હતા.
મહેતા બ્રેલ લિપિના માધ્યમથી વાંચન-લેખન બંને જાણતા હતા. જોકે પછી જો તેમણે કંઈ લખવું હોય તો તે તેમના સહાયકને ડિટેક્શન આપતા અને સહાયક ટાઈપ કરતો હતો. અનેકવાર તે પોતાના લેખમાં ૧૦૦-૧૦૦ વખત ફેરફાર કરાવતા હતા.
કારનો અવાજ સાંભળી કંપનીનું નામ જણાવી દેતા
વેદ મહેતાના લેખનમાં એટલું સરસ વર્ણન હોય કે વાચક તો શું કોઈ અન્ય લેખકને પણ શંકા થાય કે તે અંધ છે કે નહીં? અમેરિકી ઉપન્યાસકાર નોર્મન મેલરે કહ્યું હતું કે તે મહેતાને ફેંટ મારીને જોવા માગે છે કે શું તે ખરેખર જોઈ શકતા નથી. જોકે પછી મેલરની શંકા પણ દૂર થઈ. મહેતા વિશે કહેવાય છે કે તેમની સાંભળવાની શક્તિ અદભુત હતી. તે કોઈ કારનો અવાજ સાંભળી તે કઈ કંપનીની કાર છે તે જણાવી દેતા હતા.