અમેરિકામાં અલગતાવાદીઓની અવળચંડાઇઃ ખાલિસ્તાનીઓ 28મીએ રેફરન્ડમ યોજશે

Saturday 20th January 2024 11:14 EST
 
 

ન્યૂ યોર્ક: અમેરિકામાં અલગ પંજાબ - ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવનાર સંગઠનોમાં શીખ્સ ફોર જસ્ટિસ (SJF) એક માત્ર સંગઠન નથી. અમેરિકામાં એવા ઘણા સંગઠનો છે જે અલગ રાજ્યની માગને લઈને ભારત વિરુદ્ધ ખુલ્લેઆમ આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. વર્લ્ડ શીખ સંસદ (WSP) આવું જ એક ખાલિસ્તાન તરફી સંગઠન છે જેણે ન્યૂ યોર્કમાં તેની પાંચમી સામાન્ય સભામાં અલગ પંજાબની માંગને સમર્થન જાહેર કર્યું છે.
શીખ યુથ ફોર અમેરિકા પણ એક નવું સંગઠન છે જે ખાલિસ્તાનને સમર્થન આપે છે. તેના 200થી વધુ સભ્યો છે. શીખ્સ ફોર જસ્ટિસ (SJF)નું ભારતવિરોધી અભિયાન અમેરિકામાં ચરમસીમાએ છે. શીખ્સ ફોર જસ્ટિસે પંજાબને ભારતથી અલગ દેશ બનાવવા માટે 28 જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં ખાલિસ્તાન લોકમત યોજવાની જાહેરાત કરી છે.
બીજી તરફ, ભારતવિરુદ્ધ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહેલા આ ષડયંત્રકારીઓ પ્રત્યે અમેરિકા નરો વા કુંજરો વાની નીતિ અપનાવી રહ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું રચવાનો ભારત પર અમેરિકાના આરોપોને કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ ચાલી રહ્યા
છે. કેલિફોર્નિયામાં થઈ રહેલા કથિત જનમતને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડી
શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારતે 2019માં અલગતાવાદને સમર્થન આપવા બદલ શીખ્સ ફોર જસ્ટિસ સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. શીખ્સ ફોર જસ્ટિસના પ્રવક્તાનું કહેવું છે કે 28 જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કોમાં મતદાન થવાનું છે. અગાઉ ખાલિસ્તાન માટે 2021માં લંડન, જિનીવા અને સ્વિટ્ઝર્લેન્ડ, 2022માં
ઈટાલી, ટોરોન્ટો અને બ્રેમ્પટન અને 2023માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જનમત સંગ્રહ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter