અમેરિકામાં એક કરોડ ડોલરનું ટેક-સપોર્ટ કૌભાંડઃ છ ભારતીય ઝડપાયા

Saturday 24th December 2022 10:00 EST
 

વોશિંગ્ટન, તા. 17ઃ અમેરિકાની ટોચની તપાસ સંસ્થા એફબીઆઈએ ભારતની ઇન્વેસ્ટિગેશન એજન્સી સીબીઆઈ અને દિલ્હી પોલીસ સાથે એક સંયુક્ત ઓપરેશનમાં લગભગ એક દાયકામાં ૨૦,૦૦૦થી વધુ અમેરિકનો, વિશેષરૂપે વૃદ્ધો, સાથે ટેકનિકલ સહાયના નામે આચરાયેલા અંદાજે એક કરોડ ડોલરનું કૌભાંડ ખુલ્લુ પાડ્યું છે. કૌભાંડમાં સંડોવણી બદલ સીબીઆઈ અને દિલ્હી પોલીસે નવી દિલ્હીના હર્ષદ મદાન, ફરિદાબાદના વિકાસ ગુપ્તાની ધરપકડ કરી છે. જોકે, નવી દિલ્હીનો જગન લાંબા હાલ ફરાર છે, પરંતુ તેના ભાઈ જિતન લાંબાને પોલીસે પકડી લીધો છે. આ કૌભાંડ ખુલ્લું પાડવામાં મદદ બદલ અમેરિકાએ ભારતનો આભાર માન્યો છે.
આ બધા જ લોકો ટેલિફોન કે ઈન્ટરનેટ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાનો આરોપ છે. અમેરિકાના એટર્ની ફિલપ આર. સેલિંગરે એક નિવેદનમાં આ કૌભાંડનો ભંડાફોડ કરવામાં મદદ બદલ સીબીઆઈ અને દિલ્હી પોલીસનો આભાર માન્યો હતો. ભારતીય – અમેરિકન મેઘના કુમારે આ કેસમાં આ સપ્તાહે પોતાના પર મૂકાયેલા આરોપો સ્વીકારી લીધા છે.
ઓન્ટારિયો નિવાસી 33 વર્ષીય જયંત ભાટિયાની કેનેડાની અધિકારીઓએ ધરપકડ કરી હતી. ન્યુયોર્કમાં રિચમંડ હિલ નિવાસી 34 વર્ષીય કુલવિંદર સિંહ પર મની લોન્ડરિંગ અને નિર્દિષ્ટ ગેરકાયદે પ્રવૃત્તિમાંથી મેળવેલી સંપત્તિ સંબંધિત નાણાંકીય લેવડદેવડમાં સંડોવણીનો આરોપ મૂકાયો છે. ભાટિયા સાથે તેણે વૈશ્વિક સ્તરે એક હાઈ–ટેક ખંડણી વસૂલીનું કૌભાંડ ચલાવ્યું હતું.
સેલિંગરે કહ્યું હતું કે, તેઓ વારંવાર વૃદ્ધોને શિકાર બનાવતા હતા અને તેમને ગભરાવી-ડરાવીને બિનજરૂરી કમ્પ્યુટર રિપેર સર્વિસ માટે ચૂકવણી કરવા ફરજ પાડતા હતા. ફિલાડેલ્ફિયા ડિવિઝનના નેવાર્ક ફિલ્ડ ઓફિસના એક્ટિંગ ઈન્સ્પેક્ટર ઈનચાર્જ રૈમુન્ડો મારેરોએ જણાવ્યું હતું કે ટેક સપોર્ટ કૌભાંડ અને અન્ય કન્યુઝમર છેતરપિંડી વિશેષરૂપે વૃદ્ધોને નિશાન બનાવીને કરાયેલી છેતરપિંડી ગંભીર ગુના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter