અમેરિકામાં એક જ સપ્તાહમાં બે ગુનેગારને મૃત્યુદંડ

Wednesday 22nd July 2020 07:43 EDT
 

વોશિંગ્ટન: અમેરિકામાં એક જ સપ્તાહમાં બે ગુનેગારોને મૃત્યુદંડ થયો છે. ટેરી હોઉટમાં વેસ્લી ઈરા પર્કી નામના ૬૮ વર્ષના ગુનેગારે ૧૯૯૮માં ૧૬ વર્ષની કિશોરીનું અપહરણ કર્યું હતું અને એ પછી તેની હત્યા કરી નાંખી હતી. તેનો ગુનો સાબિત થતાં તેને ૧૬મી જુલાઈએ પ્રાણઘાતક ઈન્જેક્શન આપીને મોતની સજાનો અમલ કરાયો હતો. વેસ્લીના વકીલે છેલ્લી ઘડી સુધી વેસ્લીની મોતની સજા અટકે તે માટે પ્રયાસો કર્યાં હતા. વકીલે દલીલ કરી હતી કે, તેણે ૨૦ વર્ષમાં જેલમાં કાઢ્યા છે તેથી તેની સજા આજીવન કારાવાસમાં બદલવી જોઈએ. વકીલે કહ્યું કે, જેલમાં રહીને વેસ્લી માનસિક બીમાર પણ થઈ ગયો હતો, તેને સજા આપવી કાયદાની વિરુદ્ધમાં છે. આમ છતાં જેલ ઓથોરિટીએ સરકારની પરવાનગી મેળવીને વેસ્લીને પ્રાણઘાતક ઈન્જેક્શન આપ્યું હતું.
અંતિમ પળોમાં વેસ્લીએ પીડિત પરિવારના સભ્યોની માફી માગી હતી અને એ ગુના માટે આજીવન દુ:ખ હોવાનું પણ જણાવ્યું હતું. ગુનેગાર વેસ્લીએ તેની દીકરીને સંબોધીને પણ એક મેસેજ મૂક્યો હતો. જેમાં તેણે કહ્યું કે મારી હરકતથી દીકરીને ઊંડો આઘાત લાગ્યો હતો. તેની માફી માગું છું. હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરું છું.
૨૦ વર્ષમાં પ્રથમ વખત હત્યારાના મૃત્યુદંડનો અમલ
વેસ્લી અગાઉ ૧૪મી જુલાઈએ ત્રેવડી હત્યાના ગુનેગાર ડેનિયલ લીને પ્રાણઘાતક ઈન્જેક્શન આપીને મૃત્યુદંડનો અમલ થયો હતો. ડેનિયલ વર્ષ ૧૯૯૭માં પતિ-પત્ની અને આઠ વર્ષની બાળકી એમ એક જ પરિવારનાં ૩ સભ્યોની હત્યાનો ગુનેગાર સાબિત થયો હતો. આ સાથે અમેરિકામાં છેલ્લાં ૨૦ વર્ષમાં પ્રથમ વખત મોતની સજાનો અમલ થયો હતો. અમેરિકા માત્ર શ્વેતોનો દેશ હોવો જોઈએ એવી કટ્ટર ઝુંબેશ ચલાવતા સંગઠન ‘વ્હાઈટ સુપ્રીમસી’ના સભ્ય ડેનિયલ લીની મોતની સજાનો અમલ જૂન, ૨૦૨૦ની શરૂઆતમાં જ થાય એવી સરકારી માગ હતી, પરંતુ ડેનિયલના પરિવારે કોરોનાનું બહાનું ધરીને મોતની સજા પર સ્ટે મુકાવ્યો હતો. એ સ્ટેની સામે અમેરિકન સરકારે નવેસરથી અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટની પરવાનગી મેળવીને ડેનિયલને મોત આપ્યું હતું. ડેનિયલના પરિવારે છેલ્લી ઘડી સુધી ડેનિયલની સજાને આજીવન કારાવાસમાં બદલવાની પણ અરજીઓ કરી હતી, પણ પરિવાર નિષ્ફળ રહ્યો હતો.
ગન ડીલરના પરિવારની હત્યા
ડેનિયલ લુઈસ ૧૯૯૫માં ‘વ્હાઈટ સુપ્રીમસી’માં માનતા એક ઉગ્રવાદી સંગઠન ‘આર્યન પીપલ્સ રિપબ્લિક’માં જોડાયો હતો. એના બે વર્ષ પછી ૧૯૯૭માં તેણે ગન ડીલરના આખા પરિવારની હત્યા કરી હતી. અરકેન્સાસમાં ડેનિયલ જેની પાસેથી ગન ખરીદતો હતો તેના આખા પરિવારને મારીને તે ભાગી ગયો. પોલીસે તેની ધરપકડ કરીને ઈન્ડિયાનાની જેલમાં ધકેલ્યો હતો. ૧૯૯૯થી તેની સામે કેસ ચાલતો હતો. વર્ષ ૨૦૦૩માં ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને ફાંસી ફટકારી હતી, પરંતુ ઉપલી કોર્ટમાં ડેનિયલની અરજીથી ફાંસી પર સ્ટે મુકાયો હતો. જોકે છેલ્લે રાજ્યના ન્યાયવિભાગે ફરીથી અરજી કરીને ડેનિયલની ફાંસીની પરવાનગી સુપ્રીમ કોર્ટમાંથી મેળવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter