અમેરિકામાં એશિયનો પર હિંસક હુમલા વધતાં ભયનું વાતાવરણ

Tuesday 30th March 2021 16:15 EDT
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ મોર્નિંગ વોક માટે નીકળેલા આન્ઝા વિસ્ટાના ૮૪ વર્ષીય વીચા રતનાપાકડી પર થયેલા હુમલાના બે દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું. આન્ઝા વિસ્ટા સાન ફ્રાન્સિસ્કોની પાસે આવેલું છે. ‘ગ્રાન્ડપા’ તરીકે જાણીતા મૂળ થાઈલેન્ડના રતનાપાકડીને ધક્કો મારીને નીચે પાડી દેવાયા હતા. રસ્તા પરના સિક્યુરિટી કેમેરામાં આ ઘટના રેકર્ડ થઈ હતી. તેમાં એક વ્યક્તિ તેમને બળજબરીપૂર્વક જમીન પર પાડી દેતા દેખાયો હતો. ૧૯ વર્ષીય વ્યક્તિ પર તેમની હત્યાનો આરોપ મૂકાયો છે.

તેમની હત્યા અમેરિકામાં એશિયનો પર વધી રહેલી હિંસાની વાતનો એક હિસ્સો છે. છેલ્લાં થોડાં મહિનામાં દેશભરમાં આવા હુમલામાં નાટ્યાત્મક ઉછાળો આવ્યો છે. એટલાન્ટામાં ત્રણ સ્પામાં એશિયન મૂળની છ મહિલાઓ સહિત આઠ લોકોની હત્યાની ઘટના દેશભરમાં ચર્ચા જગાવી હતી. તે રતનાપાકડીના પરિવાર માટે વાસ્તવિકતા બની છે.

સાન ફ્રાન્સિસ્કો અમેરિકામાં સૌથી જૂના ચાઈનાટાઉનનું ઘર છે. શાબ્દિક અને શારીરિક હિંસા, તોડફોડ અને દીવાલો પર સૂત્રો ચીતરવાના બનાવો વધી ગયા છે. કોમ્યુનિટીને સલામતીની ખાતરી અપાવવા માટે ડેઈલી વોલન્ટિયર પેટ્રોલ્સ વધી ગયા છે.

ડેની યુ ચાંગ સાન ફ્રાન્સિસ્કોમાં તેની ઓફિસે જતો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. બે દાયકા સુધી કેલિફોર્નિયામાં રહ્યા પછી તે હવે ત્યાંથી જતા રહેવાનું વિચારે છે.

લેના લુઈ અમેરિકન લશ્કરમાં ઈન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે ચાઈના ટાઉનની શેરીઓમાં દરરોજ સાંજે જવા માટે યુનાઈટેડ પીસ કોરની સ્થાપના કરી હતી. તેમણે જણાવ્યું કે માત્ર ચીની લોકો પર જ નહીં ફિલિપિનો, કમ્બોડિયન્સ, થાઈ, વિયેટનામી, કોરિયન્સ દરેક લોકો પર હુમલા થાય છે અને તે યોગ્ય નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter