અમેરિકામાં ગુજરાતીની લૂંટના ઈરાદે હત્યા, પુત્રીના જન્મદિને જ પિતાનું મોત

Tuesday 07th December 2021 14:45 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ધોળા દિવસે લૂંટના ઈરાદે ગુજરાતી મૂળના એક ગેસ સ્ટેશન માલિકની ગોળી મારીને હત્યાનો બનાવ સામે આવ્યો છે. લૂંટારાઓએ જે જગ્યાએ ઘટનાને અંજામ આપ્યો, તે પોલીસ સ્ટેશનની એકદમ નજીક છે. પ્રાપ્ત વિગતો મુજબ, નડિયાદના અમિત પટેલની (૪૫) જ્યોર્જિયા રાજ્યના ઈસ્ટ કોલંબસમાં બ્યૂના વિસ્ટા રોડ પર સિનોવસ બેંક નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બેંકની બિલ્ડિંગમાં જ કોલંબસ પોલીસ ડિપાર્ટમેન્ટની ઓફિસ છે, જોકે હત્યારાઓ બેધડક ગુનાને અંજામ આપીને નાસી છૂટ્યા હતા.
અમિત પટેલ સ્ટીમ મિલ રોડ અને બ્યૂના વિસ્ટા રોડના કોર્નર પર શેવરોન ગેસ સ્ટેશન ચલાવતા હતા. તેઓ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા હતા. જ્યારે તેઓ બેંકના ગેટ નજીક પહોંચ્યા, ત્યારે જ લૂંટારાઓએ લૂંટના ઈરાદે તેમને ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.
અમિત પટેલ બેંકમાં પૈસા જમા કરાવ્યા બાદ પોતાની ત્રણ વર્ષની પુત્રીનો જન્મદિન ઉજવવાનો પ્લાન ઘડી રહ્યાં હતા. જોકે તે પહેલા જ તેમની હત્યા કરી નાંખવામાં આવી. મૂળ નડિયાદના વતની અમિત પટેલના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે.
અગાઉ ૧૭ નવેમ્બરના રોજ પણ ટેક્સાસમાં એક ભારતીય મૂળના સ્ટોરમાલિક સજન મેથ્યુની લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે ૧૫ વર્ષના સગીરની ધરપકડ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter