ન્યૂ મેક્સિકોઃ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે ન્યૂ મેક્સિકો ખાતેનાં અટકાયતી કેન્દ્રમાં વધુ ૪૨ ભારતીયોને મોકલી અપાયાં છે. આ સપ્તાહમાં ભારતીયોને અટકાયતમાં લેવાની આ બીજી ઘટના છે. અગાઉ ઓરેગોનમાં આવેલી કેન્દ્રીય જેલમાં બાવન ભારતીયોને અટકાયતમાં રખાયાં હતાં. અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીઓ અટકાયતીઓના મૂળ દેશોનાં દૂતાવાસોને માહિતી આપતી નહીં હોવાથી ભારતીય સત્તાવાળાઓએ ભારતીય સમુદાયના અગ્રણીઓ દ્વારા નવાં અટકાયતીઓ અંગે માહિતી મળતાં અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)નો સંપર્ક કર્યો છે. આઈસીઈએ જણાવ્યું છે કે ન્યૂ મેક્સિકોનાં ઓટેરિયો કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં ઓછામાં ઓછાં ૪૨ ભારતીયોને રખાયાં છે. ૧૨ કરતાં વધુ ભારતીયોને છેલ્લા કેટલાક મહિનાથી ન્યૂ મેક્સિકોનાં સેન્ટરમાં કેદ રખાયાં છે, જ્યારે બાકીનાંને એક સપ્તાહ પહેલાં અટકાયતમાં લઈ અહીં લાવવામાં આવ્યાં છે.
વોશિંગ્ટનસ્થિત ભારતીય દૂતાવાસનાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે લગભગ ૧૦૦ ભારતીયોને અટકાયતમાં રખાયાં છે તે બંને ડિટેન્શન સેન્ટરનો સંપર્ક કર્યો છે. ઓરેગોનનાં સેન્ટરમાં બાવન ભારતીયોને રખાયાં છે જ્યારે ન્યૂ મેક્સિકોનાં સેન્ટરમાં ૪૦થી ૪૫ ભારતીયોને રખાયાં છે.
રાજ્યાશ્રયની માગ
અટકાયતમાં લેવાયેલાં મોટાભાગનાં ભારતીયોમાં પંજાબના શીખ અને આંધ્ર પ્રદેશના ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. ઓરેગોન ખાતેનાં સેન્ટરમાં અટકાયતીઓની મુલાકાત લેનારા અમેરિકી સાંસદોએ જણાવ્યું હતું કે, આ ભારતીયો અમેરિકામાં રાજ્યાશ્રયની માગ કરી રહ્યાં છે. ભારતમાં તેમની ધાર્મિક સતાવણી થતી હોવાનો તેઓ દાવો કરી રહ્યાં છે, જો તેઓ રાજકીય રાજ્યાશ્રયની માગ કરી રહ્યાં હશે તો તેમાં ભારતીય દૂતાવાસોએ કોઈ ભાગ ભજવવાનો નહીં રહે.
પરિવારોથી અલગ
ઓરેગોન અને ન્યૂ મેક્સિકોનાં ડિટેન્શન સેન્ટરમાં રખાયેલાં ભારતીયોનાં સંતાનોને અમેરિકી સત્તાવાળાઓ દ્વારા તેમનાં માતાપિતાથી અલગ કરાયાં છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશનાર માતાપિતાને તેમનાં સંતાનોથી અલગ કરવાની ટ્રમ્પની ઝીરો ટોલરન્સ પોલિસીની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ હતી, જેનાં પગલે ટ્રમ્પને આ આદેશ પાછો ખેંચવાની ફરજ પડી હતી.