અમેરિકામાં ઘૂસણખોરી યુવતી સહિત ત્રણ ગુજરાતી ઝડપાયા

Tuesday 07th December 2021 14:45 EST
 

અમદાવાદ: ભારત વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ભારતીયો અને તેમાં પણ ખાસ તો ગુજરાતીઓમાં અમેરિકામાં વસી જવાનો ક્રેઝ હજુ પણ ઓછો નથી થયો. આ માટે કોઇ પણ જોખમ ઉઠાવવા તૈયાર છે. વીઝા ન મળવાની સ્થિતિમાં કોઈ પણ હદ પાર કરીને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હોય છે અને તેમાં ઝડપાઈ જતાં ડિપોર્ટ થાય છે અથવા તો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં અઢી વર્ષમાં બીજી વાર ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં ૩ ગુજરાતીઓને યુએસ વર્જિન આઇલેન્ડમાં ઝડપી લેવાયા છે.
એક અમેરિકન એટર્નીએ જાણકારી આપતાં કહ્યું હતું કે, આ પહેલા પણ આ ત્રણેયને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતી વખતે ઝડપી લેવાયા હતા અને તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ફરીથી પ્રયાસ કર્યો અને આ વખતે પણ તેઓ નિષ્ફળ રહ્યા. કૃષ્ણાબેન નિકુંજકુમાર પટેલ (૨૫), નિકુંજકુમાર રમેશભાઈ પટેલ (૨૭) અને અશોકકુમાર પ્રહલાદભાઈ પટેલ (૩૯)ની યુએસ વર્જિન આઇલેન્ડ સમૂહના સેન્ટ ક્રિક્સ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેઓ ૨૪ નવેમ્બરે ફ્લોરિડાના ફોર્ડ લોડરડેલ જવા માટે પ્લેનમાં સવાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ઝડપી લેવાયા હતા.
અમેરિકામાં તેમના કથિત ગેરકાયદે પ્રવેશ સંબંધિત અપરાધિક મામલાઓ પર પ્રારંભિક સુનાવણી માટે સેન્ટ ક્રિક્સમાં મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ જ્યોર્જ ડબલ્યૂ. કૈનનની સમક્ષ ત્રણેય આરોપીઓ રજૂ કરવામાં આવ્યા હતા. અમેરિકન વકીલ ગ્રેટચેન સી. એફ. શૈર્પટે જણાવ્યું કે, એક સંભવિત કારણ જાણવા મળ્યું છે અને પ્રતિવાદીઓને વધુ કાર્યવાહી માટે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
નકલી ડ્રાઇવિંગ લાઇસન્સે પોલ ખોલી
અહેવાલમાં અમેરિકન વકીલને ટાંકીને જણાવાયું હતું કે ત્રણેય પ્લેનમાં સવાર થવાના હતા, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે તેમને ફ્લોરિડાના ડ્રાઇવ લાઇસન્સ કાયદાકીય રીતે ઇશ્યૂ નથી કરવામાં આવ્યા.. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ઓગસ્ટ ૨૦૧૯માં પણ આ ત્રણેય ગુજરાતીઓને પહેલા ટેકેટ, કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, અને તેમને તાત્કાલિક ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, નિકુંજકુમાર પટેલ તથા અશોકકુમાર પટેલને ૨૧ નવેમ્બર ૨૦૧૯ના રોજ અને કૃષ્ણાબેન પટેલને ૧૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારત માટે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
તો ૧૦ વર્ષ જેલની સજા
ત્રણેય આરોપીઓ પર નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવા અને અમેરિકાથી હાંકી કાઢવા છતાં કોઈ વિદેશીની મદદથી અહીં પુન: પ્રવેશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે જો આરોપીઓ દોષી ઠેરવાશે તો તેવી સ્થિતિમાં તેમને અંદાજિત ૧૦ વર્ષની જેલ અને બાદમાં નિર્વાસનનો સામનો કરવો પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter