અમેરિકામાં ટોબી સ્નો સ્ટોર્મનું તાંડવઃ ૧૯ ઈંચ હિમવર્ષા

Friday 23rd March 2018 07:26 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના પૂર્વ કાંઠા વિસ્તારના રાજ્યોમાં છેલ્લા ૩ સપ્તાહમાં ત્રાટકેલા ચોથા બરફના તોફાને હાહાકાર મચાવી દીધો છે. વસંત ઋતુના પહેલા જ દિવસે થયેલી ૧૯ ઇંચ હિમવર્ષાના કારણે ઇન્ટરસ્ટેટ ૯૫ કોરિડોર બરફમાં ઢંકાઇ ગયો હતો. બોસ્ટનમાં પાંચથી આઠ ઇંચ હિમવર્ષા થઈ હતી. બરફના આ તોફાનના કારણે પૂર્વ અમેરિકાના રાજ્યોના ૭.૫ કરોડ લોકો અસરગ્રસ્ત બન્યાં છે. ૯૦,૦૦૦ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં કટોકટીની જાહેરાત કરાઈ હતી.

ટોબી સ્નો સ્ટોર્મના કારણે ન્યૂ યોર્ક શહેર અને લોંગ આઇલેન્ડના વિસ્તારો એક ફિટ બરફની નીચે ઢંકાઇ ગયા હતા. ૧૯૬૪ બાદ પહેલીવાર વસંત ઋતુના પ્રારંભે આ પ્રકારની બરફ વર્ષા આ વિસ્તારોમાં જોવા મળી છે.

નોર્થઇસ્ટર સ્ટોર્મ

એટલાન્ટિક મહાસાગરની ગરમ હવાઓ આર્કટિક મહાસાગરની ઠંડી હવાઓ સાથે ટકરાતાં નોર્થ ઇસ્ટર સ્ટોર્મ સર્જાય છે. તેના કારણે અમેરિકાના પૂર્વ કિનારા પર બરફના તોફાનો આવતા રહે છે. ઉત્તરપૂર્વીય પવનોના કારણે આ પ્રકારના બરફના તોફાનોને નોર્થઇસ્ટર સ્ટોર્મ કહે છે. વર્ષના આ સમયગાળામાં આ પ્રકારના બરફના તોફાનો સામાન્ય છે. પરંતુ ૩ સપ્તાહમાં ચોથું બરફનું તોફાન અસામાન્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter