વોશિંગ્ટનઃ અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે ૮૪ ટકા બાળકોમાં સંક્રમણ વધ્યું છે. ટેક્સાસ, ફ્લોરિડા અને મિસોરીમાં હોસ્પિટલો દર્દીઓથી છલકાઈ ગઈ છે. એક મહિનામાં જ કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. હજુ જૂનના અંતમાં સાત દિવસની સરેરાશ મુજબ દરરોજ નોંધાતા કેસની સંખ્યા ૧૧,૦૦૦ હતી જે એક લાખને પાર થઈને ૧,૦૭,૧૪૩ થઈ છે. જાન્યુઆરીમાં સૌથી વધુ અઢી લાખ કેસ હતા. ૭ ઓગસ્ટે અમેરિકામાં નવા ૬૮,૯૫૦ કેસ નોંધાયા હતા અને ૩૨૦નાં મોત થયા હતા. ૨૯ જુલાઈએ પૂરા થયેલા અઠવાડિયામાં ૭૨,૦૦૦ બાળકો કોરોના પોઝિટિવ જણાયા હતા જેનો આંક તેના એક અઠવાડિયા પહેલાં ૩૯,૦૦૦ હતો. વેક્સિનને કારણે મૃત્યુનું પ્રમાણ ઘટયું હતું. અમેરિકામાં ૧૨ જાન્યુઆરીએ સૌથી વધુ ૪૪૬૦ લોકો કોરોનાનો ભોગ બન્યા હતા.
દરમિયાન, અમેરિકામાં ૫૦ ટકાથી વધુ વસતીને કોરોના વેક્સિનના બંને ડોઝ અપાયા છે અને કુલ ૧૬.૬ કરોડ લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન થઇ ચૂક્યું છે. વ્હાઇટ હાઉસના કોરોના ડેટા ડિરેક્ટર સાઇરસ શાહપરે જણાવ્યું હતું કે ગત ૭ દિવસમાં નવું વેક્સિનેશન કરાવનારાઓની સરેરાશ અગાઉના સપ્તાહથી ૧૧ ટકા અને ગત બે સપ્તાહથી ૪૪ ટકા વધુ હતી.