અમેરિકામાં નોકરી ગુમાવનારા વિદેશીઓએ તુરંત દેશ છોડવો પડશે

Wednesday 12th August 2026 06:29 EDT
 
 

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં ઈમિગ્રન્ટ્સ પર એક પછી એક આકરા પગલાં લઇ રહ્યા છે, અને આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ટ્રમ્પ તંત્રે હવે હાઇલી સ્કિલ્ડ વિદેશી કર્મચારીઓ - કે જેમાં ભારતીયો બહુમતીમાં હોય છે તેમના - માટે નોકરી છૂટતાંની સાથે જ દેશ છોડવો પડે તેવી સ્થિતિ ઊભી કરવાની તૈયારી હાથ ધરી છે.
હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એચ-1બી અને અન્ય કાયદાકીય નોન-ઈમિગ્રન્ટ્સ વિદેશી કર્મચારીને નોકરી છૂટયા પછી મળતો 60 દિવસનો ગ્રેસ પિરિયડ ખતમ કરવા માટે વિચારણા હાથ ધરી છે. સૂચિત દરખાસ્ત વ્હાઈટ હાઉસની ઓફિસ ઓફ ઈન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સમીક્ષા માટે મોકલાઈ છે. અલબત્ત, આ નિયમ હજુ કાયદો બન્યો નથી. જોકે, તે કાયદો બની જશે તો એચ-1બી સહિત ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીએ નોકરી ગુમાવ્યા પછી તાત્કાલિક અમેરિકા છોડવા ફરજ પડશે.
એચ-1બી સહિતના ઉચ્ચ કુશળ પ્રોફેશનલ્સમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોવાથી ટ્રમ્પ તંત્રના આ નિર્ણયની અસર એચ-1બી વિઝાધારક સહિતના ભારતીય પ્રોફેશનલ્સ પર સૌથી વધુ પડવા આશંકા છે.
કાયદો લાગુ થયો તો 60 દિવસનો
ગ્રેસ પિરિયડ નહીં મળે
 હાલ અમેરિકામાં નોકરી કરતા ઈમિગ્રન્ટ્સને નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી, નવા સ્પોન્સર શોધવા, વિઝા સ્ટેટસ બદલવા અથવા દેશ છોડવાની તૈયારી કરવા માટે 60 દિવસનો સમય મળે છે. આ ગ્રેસ પિરિયડ 2017માં લાગુ થયો હતો, જેના હેઠળ વિદેશી કર્મચારી અને તેના પર નિર્ભર લોકોને નવી નોકરી શોધવાના સમય સુધી અમેરિકામાં કાયદેસર રોકાણની મંજૂરી મળતી હતી. આ સુવિધાનો લાભ ઈ-1, ઈ-2, ઈ-3, એચ-1બી, એચ-1બી1, એલ-1, ઓ-1 અને ટીએન જેવા નોન ઈમિગ્રન્ટ વિઝાધારકોને મળતો હતો.
ટ્રમ્પ સરકાર સંબંધિત પ્રસ્તાવ સ્વીકારી લેશે તો બધા જ પ્રકારની શ્રેણીના પ્રોફેશનલ્સ અને વિદેશી કામદારો માટે મોટી મુશ્કેલી ઊભી થશે. નોકરી ગુમાવવા અથવા વિપરિત પરિસ્થિતિમાં નોકરી છોડવાના સંદર્ભમાં તેમણે તાત્કાલિક અમેરિકા છોડવું પડશે. અને આ માટે તેમને કેટલા દિવસનો સમય મળશે તે પણ હજુ સ્પષ્ટ નથી.
અમેરિકામાં હજારો ઉચ્ચ કુશળ પ્રોફેશનલ્સ વર્ષોથી રહે છે, હજારોએ મકાન ખરીદ્યા છે, ટેક્સ ચૂકવ્યા છે, બાળકોને અહીંની સ્કૂલોમાં ભણાવ્યા છે અને કારકિર્દી બનાવી છે. પરંતુ સૂચિત પ્રસ્તાવથી તેમની કારકિર્દી જ નહીં પરિવારનું જીવન પણ અનિશ્ચિતતામાં ધકેલાવાનું જોખમ ઊભું થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter