વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પનાં બીજા કાર્યકાળમાં નશાકારક ચીજો અને ડ્રગ્સ કાર્ટેલ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ડ્રગ્સની દાણચોરી રોકવાના નામે વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી પણ કરાઇ છે. આમ છતાં અમેરિકામાં બહુ ઝડપથી એક નવા પ્રકારનાં પિન્ક કોકેનનો આતંક ફેલાયો છે. આ ખતરનાક ડ્રગ્સ પિન્ક કોકેન કે જેને તુસી (Tuci) પણ કહેવામાં આવે છે તેનો ક્લબો અને પાર્ટીઓમાં ઉપયોગ વધી રહ્યો છે. ન્યૂયોર્કમાં ગયા વર્ષે દાણચોરીના એક કેસની તપાસ દરમિયાન પિન્ક કોકેન અને ઢગલાબંધ હથિયારો મળી આવ્યાં બાદ આ ડ્રગ્સ અંગે જાણકારી મળી હતી.
એક અહેવાલ અનુસાર, આ ખતરનાક ડ્રગ્સ શહેરોમાંથી હવે ગામડાઓમાં પહોંચી રહ્યું છે. આ પિન્ક કોકેન ખાવાથી થોડા સમયમાં જ શરીર ભુરૂં થવા લાગે છે. વાસ્તવમાં આ કોકેન નથી પણ એક જાતનું નશીલા પદાર્થોનું કોકટેલ એટલે કે મિશ્રણ છે. જેમાં ખાસ કરીને ખુબ જ ઘાતક મેથામફેટામાઈન, ઓપિઓઈડ્સ તેમજ ફેન્ટાનિલ જેવા તત્વો મળી આવ્યા છે.
આ ડ્રગ્સની શરૂઆત કોલંબિયાથી થઈ હોવાનું માનવામાં આવ છે, જ્યાં તેને ક્લબ અને પાર્ટીનાં ડ્રગ્સ તરીકે રજૂ કરાયું હતું. ત્યાંથી પછી 2C (એક સાઈકેડેલિક ડ્રગ્સ) પરથી ‘તુસી’ નામ અપાયું તે હવે ડ્રગ્સ નહીં પણ કન્સેપ્ટ બની ગયું છે. વળી, આ ડ્રગ્સનો કોઈ સીધો ઈલાજ નથી. પહેલા તબક્કામાં તેને માટે સપોર્ટિવ દવા અપાય છે. નશાને શરીરની બહાર કાઢવામાં આવે છે, પણ ક્યારેક તે જીવલેણ પુરવાર થાય છે.

