અમેરિકામાં પ્રતિબંધ પછી બમ્પ સ્ટોક સાથે ભારતીય અમેરિકન પકડાયો

Friday 13th September 2019 06:27 EDT
 

હ્યુસ્ટન: રાઇફલ સાથે લગાડેલા બમ્પ સ્ટોક રાખવાનો ભારતીય અમેરિકન અજય ધિંગરા પર આરોપ હતો. ચાલુ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા આ શસ્ત્ર પર લદાયેલા પ્રતિબંધ પછીનો આ પહેલો કેસ છે. જો તેનો ગુનો સાબિત થશે તો દસ વર્ષ સુધીની જેલ અને અઢી લાખ ડોલરનો દંડ થઇ શકે છે. બમ્પ સ્ટોકને સેમીઓટોમેટિક રાઇફલની સાથે પાછળના ભાગે ફિટ કરવામાં આવે છે જેનાથી સતત ફાયરિંગ કરી શકાય અને તે ખૂબ ઝડપથી ફાયર કરે છે. રાઇફલ સાથે પકડાયેલા અજય ધિંગરા પર મશીનગન ધરાવવા સહિત શસ્ત્ર નિયમના ભંગનો કેસ કરાયો હતો. ઉપરાંત શસ્ત્રો ખરીદવા અજય ધિંગરાએ નકલી દસ્તાવેજો બનાવ્યા હોવાનો પણ અલગથી કેસ કરાયો હતો.

અજય ધિંગરાને અગાઉ મેન્ટલ હોસ્પિટલમાં પણ રખાયો હતો અને ત્યાર પછી તેની પર શસ્ત્રો રાખવા પ્રતિબંધ મુકાયો હતો. ઓગસ્ટમાં તેણે જ્યોર્જ બુશ ફાઉન્ડેશનમાં એક ચિંતાજનક સંદેશો મૂકતાં તેની પર શંકા થઇ હતી. તેણે એકવાર બુશ ફાઉન્ડેશનને એવું પણ કહ્યું હતું કે મને મારી નાંખવા માટે તમારા કોઇ છોકરાને મોકલો.

સિક્રેટ સર્વિસ એજન્ટે ધિંગરાની તપાસ શરૂ કરી હતી જેના કારણે તેઓ એના ઘર સુધી ગયા હતા જ્યાંથી તેમને નવ એમએમની ૨૭૭ રાઉન્ડ એમ્યુનિશન, એક પિસ્તોલ અને એક બમ્પ સ્ટોક સાથેની કોલ્ટ રાઇફલ મળી હતી. સિક્રેટ સર્વિસના એજન્ટો તેના ઘરે આવ્યા હતા ત્યારે ધિંગરાએ તેમને કહ્યું હતું કે તેની સ્કિઝોફ્રેનિયા બીમારીની સારવાર ચાલે છે. આલ્કોહોલ, ટોબોકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ બ્યુરો અનુસાર, ટેક્સાસમાં નોંધાયેલa આ પ્રથમ કેસ છે અને માર્ચ ૨૦૧૯માં નવો કાયદો અમલમાં આવ્યો ત્યારપછીથી ગેરકાયદે શસ્ત્રો અને બમ્પ સ્ટોક ધરાવવાનો સર્વ પ્રથમ કેસ હોવાનું મનાય છે. એમ યુએસ એટર્નીની ઓફિસે એક નિવેદનમાં કહ્યું હતું.

અમેરિકામાં ગોળીબારમાં અનેક વખતે સામૂહિક હત્યાના બનાવો બન્યા પછી ટ્રમ્પ વહીવટી તંત્રે ફાયર આર્મ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો. અગાઉના વહીવટી તંત્ર પણ તપાસ તો કરી હતી, પરંતુ એવા તારણ પર આવ્યા હતા કે કોંગ્રેસે જ નિયમો બદલવા પડે એમ કહીને તેઓ એક તરફી રીતે બમ્પ સ્ટોક પર પ્રતિબંધ નાંખી શકે નહીં એવી દલીલ કરી હતી.

પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રે ફેર વિચારણા કરીને એવું તારણ કાઢ્યું હતું કે બમ્પ સ્ટોક કામગીરી કરવામાં ઓટોમેટિક રાઇફલ જેવું જ છે જેની પર હાલના નિયમો હેઠળ જ પ્રતિબંધ લાદી શકાય છે. આ સાથે જ ઓટોમેટિક રઇફલની માલિકી પર પ્રતિબંધ લાદી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter