વોશિંગ્ટનઃ અમેરિકામાં આ વર્ષની પ્રેસિડેન્ટની ચૂંટણીમાં છેલ્લા ૧૧૨ વર્ષોમાં સૌથી વધુ ૬૫ ટકા મતદાનની આગાહી કરાઈ છે. આ ચૂંટણીમાં ૧૫૦ મિલિયન મતદાતાઓ મતદાન કરશે એવો અંદાજ છે. જેમાંથી ૬૦ મિલિયન મતદાતાઓએ તો પહેલેથી જ મત આપી દીધો છે. અમેરિકાની ચૂંટણી વ્યવસ્થા વિશે યુએસ ઇલેક્શન્સ પ્રોજેક્ટનું વ્યવસ્થાપન કરતા ફ્લોરિડા યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ મેકડોનાલ્ડે આ આગાહી કરી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન વચ્ચેની આ રેસમાં ૨૦૧૬ની પ્રેસિડેન્ટની ચૂંટણી કરતાં વધારે મતદાન થશે. ૨૦૧૬ની ચૂંટણીમાં ૧૩૭ મિલિયન મતદાતાઓએ મત આપ્યો હતો.
મતદાતાઓ કલાકો સુધી લાઇનમાં
લોકશાહીના પર્વની ઉજવણી કરવાના અમેરિકન મતદાતાઓના ઉત્સાહના આડે કોરોના આવ્યો નથી. મોટી સંખ્યામાં મતદાતાઓ વહેલા મતદાન કરવા માટે કે પછી તેમના મતપત્રકને ટપાલ માટેના બોક્સમાં મૂકવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા. જ્યોર્જિયામાં તો કેટલીક જગ્યાઓએ લોકો દસ કલાકથી વધુ સમય મતદાન માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. વર્જિનિયામાં અને ઓહાયોમાં પણ લાંબી કતારો જોવા મળી હતી.
ટેક્સાસમાં સૌથી વધુ મતદાન
યુએસ ઇલેક્શન્સ પ્રોજેક્ટ અનુસાર ટેક્સાસમાં સૌથી વધુ મતદાન થયું હતું. જેના પછી કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં સૌથી વધુ મતદાન થયાનું નોંધાયું હતું. ટેક્સાસમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયાનું નોંધાયું છે. આ રાજ્યના ૬૪ લાખ મતદાતાઓએ મત આપ્યો છે. આ રાજ્યમાં ૨૦૧૬ની ચૂંટણીમાં મતદાન ટકાવારી ૫૯.૨ હતી. યુએસ ઇલેક્શન્સ પ્રોજેક્ટના અંદાજ અનુસાર આ રાજ્યમાં આ વખતે ૧૦થી ૧૨ મિલિયન મતદાતાઓ મત આપશે. ટેક્સાસમાં કોરોનાને કારણે મતદાતાઓને પ્રારંભિક મતદાન કરવા માટે છ દિવસ વધારે મળ્યા હતા.
ડેમોક્રેટ્સને આશા જાગી
આ વખતે આટલા મોટા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે ડેમોક્રેટ્સને આશા જાગી છે કે, રિપબ્લિક પક્ષનો દબદબો કાયમ નહીં રહે. ૧૯ રાજ્યો દ્વારા પક્ષની નોંધણીના પૂરા પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર અપાયેલા મતોમાં ૪૯.૨ ટકા ડેમોક્રેટ્સ, ૨૭.૮ ટકા રિપબ્લિકન અને ૨૨.૪ ટકા કોઈ પક્ષની સાથે જોડાયેલા નથી.
પોલમાં બિડેન મામૂલી માર્જિનથી આગળ
૨૬મી ઓક્ટોબરના અહેવાલો પ્રમાણે અમેરિકી પ્રમુખની ચૂંટણી અંગેના પોલમાં બિડેન મામૂલી માર્જિનથી ટ્રમ્પથી આગળ હતા. અમેરિકાના નેશનલ પોલ પ્રમાણે પ્રમુખ બનવાના બિડેનના ચાન્સ ૫૧ ટકા જ્યારે ટ્રમ્પના ચાન્સ ૪૯ દર્શાવાયા હતા. અમેરિકી સમાચાર ચેનલ સીએનએન દ્વારા પણ સર્વે કરાયો હતો. તેમાં બિડેનને ૫૨ ટકા અને ટ્રમ્પને ૪૮ ટકા મત મળ્યા હતા. આ દરમિયાન જ અમેરિકામાં અર્લી વોટિંગનો આરંભ પણ થઈ ચૂક્યો હતો. અમેરિકા સહિત ઘણા દેશોમાં અર્લી વોટિંગની પ્રથા છે જેમાં મતદારો નિર્ધારિત તારીખ અગાઉ મતદાન કરી શકતા હોય છે. આ પ્રથાનો ઉદ્દેશ મતદાનની ટકાવારી વધારવાનો છે. કેમ કે તેના દ્વારા મતદારો પોતાની અનુકૂળતા પ્રમાણે મત આપી શકે છે. ટ્રમ્પ પોતે પણ અર્લી મતદાન કરી ચૂક્યા હતા.
કોરોના સંકટ વચ્ચે અમેરિકાના અનેક રાજ્યોએ આ પ્રથા શરૂ કરી દીધી છે. મતદાનની દૃષ્ટિએ સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયામાં અર્લી વોટિંગ હેઠળ લગભગ ૭૦ લાખ લોકોએ મતદાન કરી દીધું છે.