ન્યૂ યોર્ક: અમેરિકામાં શિયાળામાં આવેલા બરફના તોફાને ૩૦મી નવેમ્બરથી વીકેન્ડ થેંક્સ ગિવિંગ પ્રવાસ કાર્યક્રમોને પણ ખોરવી નાંખ્યા હતા. બરફના તોફાને સાત લોકોનો ભોગ લીધો હતો. મિસૂરીમાં બે બાળકો અને એક પુરુષ, એરિઝોનમાં બે બાળકો, ઉતાહમાં ૧ બાળક અને દક્ષિણ ડાકોટામાં ૧ પુરુષનાં મૃત્યુ નોંધાયા હતા. મોટાભાગના મૃત્યુ બરફને કારણે સર્જાયેલી વાહન દુર્ઘટનામાં નોંધાયા હતા. અમેરિકામાં દરિયાકિનારેથી માંડીને રણમાં બરફના બે ફૂટ થર જામી જતાં ૩૦ સ્ટેટના ૧૨.૫ કરોડ લોકો પ્રભાવિત થયા હતા. સંખ્યાબંધ ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. પૂર્વ દરિયાકાંઠાથી પશ્ચિમ સાગર કાંઠા સુધીના ૧૫ રાજ્યો પર બરફનું તોફાન ફુંકાયું છે અને પેનસ્લ્વિનિયાથી માંડીને મેઈન સુધી મંગળવાર સુધીમાં ૧૦થી ૨૦ ઈંચ બરફ વરસવાની આગાહી કરાઈ હતી. થેંક્સ ગિવિંગ હોલિડેથી પાછા ફરી રહેલા લાખો લોકો માર્ગમાં જ અટવાઈ ગયા હતા.
સોમવારે સવારે અમેરિકા તરફ જતી બહાર જતી ૨૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ થઈ હતી અને ૮૦૦ ફલાઈટ ઉડાનમાં વિલંબ સર્જાયો હતો.
શાળાઓ અને કાર્યાલયો બંધ રાખવા ફરજ પડી હતી. વિન્ટર સ્ટોર્મ એઝેકિલ અમેરિકાના ૩૦ જેટલા રાજ્યો પરથી પસાર થવાની હવામાન ખાતાએ આગાહી કરી હતી. સત્તાવાળા માર્ગને સાફ તો કરી રહ્યા હતા, પરંતુ દુર્ઘટનાઓ નિવારવા લોકોને રસ્તા પર વાહન ડ્રાઇવિંગથી દૂર રહેવા સૂચનાઓ અપાઈ હતી. હવામાન વિભાગ તરફથી ભારે બરફવર્ષા સાથે ભારે વરસાદની પણ ચેતવણી અપાઈ હતી.
કેનેડામાં પણ તોફાન
કેનેડામાં પણ બરફનું તોફાન આવ્યું છે. વ્યસ્ત હાઇવે પર છવાયેલા બરફના કારણે ૩૦ જેટલી કાર અટવાી ગઈ હતી. ઓન્ટારિયોમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું.