વોશિંગ્ટનઃ અમેરિકામાં જોબ આધારિત આશરે એક લાખ ગ્રીનકાર્ડ બે મહિનાની અંદર રદબાત્તલ થવાનો ખતરો છે. આ કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ વર્ગમાં ભારે નારાજગી છે. ગ્રીનકાર્ડ બરબાદ થવાથી આઈટી પ્રોફેશનલ્સની કાયદેસર પરમેનન્ટ રેસિડેન્સીની પ્રતિક્ષા હવે દાયકાઓ માટે વધી જશે. સત્તાવાર રીતે સ્થાયી નિવાસી કાર્ડ તરીકે ઓળખાતું ગ્રીનકાર્ડ ઈમિગ્રન્ટ્સને પૂરાવા તરીકે જારી કરાયેલ એક દસ્તાવેજ છે, જે હેઠળ કાર્ડ હોલ્ડરને અમેરિકામાં કાયમી નિવાસી તરીકેની સુવિધા અપાય છે.
ભારતીય પ્રોફેશનલ સંદીપ પવારના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઈમિગ્રન્ટ્સ માટે રોજગાર આધારિત ક્વૉટા ૨ લાખ ૬૧ હજાર ૫૦૦ છે જે ૧ લાખ ૪૦ હજારના સામાન્ય પ્રકારના ક્વૉટાથી વધારે છે. તેમણે કહ્યું કે આ વિઝા ૩૦ સપ્ટેમ્બર સુધી જારી નહીં કરાય તો તે હંમેશા માટે ખતમ થઈ જશે.
તેમણે ઉમેર્યું કે અમેરિકી નાગરિકતા તથા ઈમિગ્રેશન સેવા(યુએસીઆઈએસ) દ્વારા વિઝા પ્રક્રિયાની વર્તમાન ગતિ બતાવે છે કે તે એક લાખથી વધુ ગ્રીનકાર્ડ રદ કરી નાખશે. વિઝા ઉપયોગ નક્કી કરનારા વિદેશ મંત્રાલયના ઈન્ચાર્જે તાજેતરમાં આ હકીકતની પુષ્ટી પણ કરી હતી. જોકે, આ મામલે પૂછાયેલા સવાલો પર વ્હાઈટ હાઉસે કોઈ જવાબ આપ્યો ન હતો.
દરમિયાન, અમેરિકામાં રહેતા ૧૨૫ ભારતીયો અને ચીની નાગરિકોએ તંત્ર દ્વારા ગ્રીન કાર્ડ બરબાદ થતા રોકવા માટે કેસ દાખલ કર્યો છે.