સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકન ઉપભોક્તાઓએ બ્લેક ફ્રાઇડે સેલની ખરીદીમાં આશરે નવ બિલિયન ડોલર ઓનલાઈન ખર્ચ્યા હતા. મોટા ભાગનાઓએ સ્માર્ટફોન માટે વધુ નાણા ખર્ચ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ખરીદીમાં ૨૧.૬ ટકા વધારો થયો હતો. એકલા સ્માર્ટફોનના વેચાણમાં જ ૨૫.૩ ટકાનો વધારો થયો હતો. લોકોએ આ ફોન ખરીદવા ૩.૬ બિલિયન ડોલર ખર્ચ્યા હતા. જોકે લોકોએ મોટા ભાગે ઘરે જ રહી ઓનલાઈન ખરીદી કરી હતી. બ્લેક ફ્રાયડે નિમિત્તે એડોબીએ ૮.૦ અને ૯.૬ બિલિયન ડોલરના વેચાણની આગાહી કરી હતી.
નવ બિલિયન ડોલરની ખરીદી અમેરિકાના ઇતિહાસમાં (૨૦૧૯ના સાયબર મન્ડે પછી) સૌથી મોટી બીજા ક્રમની ઓનલાઈન ખરીદી મનાય છે. એડોબી અનુસાર, ‘સાયબર મન્ડે’ તમામમાં સૌથી આગળ રહેશે. એના કારણે ઈ-કોમર્સમાં ૧૧.૨થી ૧૩ બિલિયન ડોલરની ખરીદીની શક્યતા વર્તાય છે. અગાઉ અમેરિકન ગ્રાહકો અને ઓનલાઈન ખરીદી માટે થેન્ક્સ ગિવિંગ ડે પર જે ખરીદી કરી હતી તે ગયા વર્ષની સરખામણીમાં ૨૧.૫ ટકા વધુ હતી.
ગ્રાહકોને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવા માટે ભારે ડિસ્કાઉન્ટ અને આક્રમક પ્રમોશનને જવાબદાર માની શકાય, જેની શરૂઆત નવેમ્બર મહિનાથી થઈ હતી.