વોશિંગ્ટનઃ અમેરિકાની વિવિધ યુનિવર્સિટીમાં ગયા વર્ષે વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો નોંધાયો હતો. જેમાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યા 35 ટકા વધી છે. કોરોના કાળ પછી અમેરિકી યુનિવર્સિટીમાં ફરી વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવાહ શરૂ થયો છે.
શૈક્ષણિક વર્ષ 2022-23માં અમેરિકા ખાતે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 12 ટકા વધી છે, જે છેલ્લા ચાર દસકા દરમિયાન એક વર્ષમાં નોંધાયેલી સૌથી વધુ વૃદ્ધિ છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનના અભ્યાસ મુજબ વિદેશમાંથી 10 લાખ કરતાં વધુ વિદ્યાર્થી આવ્યા છે. અમેરિકાની કોલેજોએ ભારતના 2.69 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી વધુ અને ચીન પછી બીજા ક્રમે છે.
મોટા ભાગના વિદ્યાર્થીએ સાયન્સ, ટેક્નોલોજી અને બિઝનેસ સ્ટ્રીમમાં પ્રવેશ લીધો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ‘અમેરિકા શૈક્ષણિક ક્ષેત્રે ભારત સાથે મજબૂત સંબંધો ધરાવે છે. તે હવે વધુ મજબૂત બની રહ્યા છે.’
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીની સંખ્યાના મુદ્દે ચીન મોખરે છે. તેના 2.90 લાખ વિદ્યાર્થીએ અમેરિકામાં એડમિશન લીધા છે. જોકે, સતત ત્રીજા વર્ષે ચીની વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ચીનના તંગ સંબંધોને કારણે અમેરિકાની વિવિધ યુનિવર્સિટીમાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ઉપરાંત, બ્રિટન અને કેનેડાની યુનિવર્સિટીની વધતી સ્પર્ધાને પગલે પણ અમેરિકામાં ચીનના વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે.
આ ઉપરાંત અમેરિકાની યુનિવર્સિટીઝે ભારતમાં રિક્રૂટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચાલુ વર્ષે ભારત ચીનને ઓવરટેક કરીને વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બનવાના અંદાજને પગલે અમેરિકાએ ભારત પર ફોક્સ વધાર્યું છે. અમેરિકાના 24 રાજ્યમાં ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા ચીન કરતાં વધુ છે. જેમાં ઈલિનોઈ, ટેક્સાસ, મિશિગનનો સમાવેશ થાય છે. આ એવા સ્થળ છે જે વિદેશી વિદ્યાર્થીઓ માટેના ટોચના ડેસ્ટિનેશન ગણાય છે.