અમેરિકામાં ભારતીય કેરીની ધૂમઃ બજાર 1 બિલિયન ડોલરને પાર

Saturday 13th June 2026 07:02 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની નિકાસ અને વપરાશને વેગ આપવા માટે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે યુએસ પેસિફિક નોર્થવેસ્ટ રિઝનમાં એક વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અમેરિકાની અગ્રણી રિટેલ કંપનીઓએ ભાગ લીધો હતો. અમેરિકામાં કેરીનું આયાત માર્કેટ 2025માં એક બિલિયન ડોલરના આંકને વટાવી ગયું હતું અને તેમાં ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે.

ભારતીય દૂતાવાસે યોજેલા ‘મેંગો મેજિકઃ પ્રમોશન એન્ડ ટેસ્ટિંગ ઇવેન્ટ ઓફ ઇન્ડિયન મેંગો’માં અમેરિકાની રિટેલ જાયન્ટ્સ કંપની કોસ્કોના વરિષ્ઠ અધિકારીઓ સહિત 100થી વધુ અગ્રણી આયાતકારોએ ભાગ લીધો હતો. આ મહેમાનોએ ભારતીય કેરીની સાત પ્રીમિયમ જાતોનો સ્વાદ પણ માણ્યો હતો. આ કાર્યક્રમાં મહારાષ્ટ્રની આલ્ફોન્સો તથા રાઇપ રાજાપુરી, આંધ્રપ્રદેશની બંગનાપલ્લે તથા હિમાયત, ઉત્તરપ્રદેશની લંગડા તથા પ્રખ્યાત દશેરી અને ગુજરાતની કેસર પ્રદર્શિત કરાઈ હતી.
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) સાથે ભાગીદારીમાં આયોજિત ઇન્ડિયન મેંગો પ્રમોશન ઇવેન્ટમાં ભારતીય કેરીમાંથી બનાવાયેલી વિવિધ વાનગીઓ પીરસાઇ હતી. વોશિંગ્ટન સ્ટેટના લેફ્ટનન્ટ ગવર્નર ડેની હેકે એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી કેરીના આગમનનો પ્રથમ દિવસ ફરી ક્યારેય ચૂકીશ નહીં.
કોસ્કોના વાઇસ પ્રેસિડેન્ટ બોબ હસ્કીએ જણાવ્યું કે કંપનીએ તાજેતરમાં જ કેસર કેરીનું વેચાણ શરૂ કર્યું છે અને તેની માંગ એટલી વધુ છે કે સ્ટોક ફરી આવે તે પહેલાં જ વેચાઈ જાય છે. વોશિંગ્ટન સ્ટેટના સેનેટર્સ ટીના ઓરવેલ, મેનકા ઢીંગરા અને વંદના સ્લેટર તેમજ જાપાન અને ઉઝબેકિસ્તાનના કોન્સલ જનરલ હાજર રહ્યાં હતાં અને ભારતીય કેરીનો સ્વાદ માણ્યો હતો. ગયા વર્ષે ભારતીય દૂતાવાસે સિએટલમાં ભારતીય કેરીઓના પ્રચારની શરૂઆત કરી હતી અને કોસ્કો સહિતના ભાગીદારો સાથે મળીને અમેરિકન ગ્રાહકો સુધી ભારતીય કેરી પહોંચાડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતાં, જે હવે રંગ લાવી રહ્યાં છે.

મે મહિનામાં કોસ્કોએ ભારતમાંથી કેસર કેરીનો પ્રથમ મોટો જથ્થો આયાત કર્યો હતો, જે અમેરિકાના વિવિધ શહેરોમાં આવેલા તેના સ્ટોર્સમાં પહોંચાડાયો હતો. ભારતીય કેરીનો જથ્થો સ્ટોર્સમાં પહોંચ્યા બાદ માત્ર બે કલાકમાં જ વેચાઈ ગયો હતો, જે અમેરિકામાં ભારતીય કેરી માટેની ભારે માંગનો પુરાવો છે. અમેરિકામાં ભારતીય કેરીની નિકાસ 18 વર્ષના પ્રતિબંધ બાદ 2007માં ફરી શરૂ થઈ છે અને ત્યારથી નિકાસમાં ઝડપથી વધારો થયો છે. 2023-24માં અમેરિકામાં ભારતીય કેરીની નિકાસ એક કરોડ ડોલર સુધી પહોંચી ગઈ હતી, જે અગાઉના વર્ષના 43.6 લાખ ડોલરની સરખામણીએ 130 ટકા વધુ છે. 2026માં અમેરિકામાં કેરીની આયાતમાં વધુ 7 ટકા વૃદ્ધિ થવાની શક્યતા છે, 2025માં અમેરિકાનું કુલ કેરી આયાત બજાર એક બિલિયન ડોલરના આંકને વટાવી ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter