ન્યૂજર્સી, તા. ૩૦- અમેરિકામાં ભારતીય મૂળના ફાર્મા કંપનીના સીઈઓ શ્રીરંગ અરવપલ્લીની લૂંટારાએ ગોળી મારીને હત્યા કરી હતી. ઘટના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અરવપલ્લી મોડી રાત્રે ઘરે આવતા હતા ત્યારે એક લૂંટારાએ ૮૦ કિલોમીટર સુધી તેમનો પીછો કરીને હત્યા કરી હતી. ગોળી માર્યા પછી આરોપી નાસી ગયો હતો. પરિવારજનોએ અરવપલ્લીને હોસ્પિટલે પહોંચાડયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના પછી ન્યૂજર્સીમાં રહેતા ભારતીય મૂળના અમેરિકન નાગરિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે ૨૭ વર્ષના આરોપી જેકઈ રેઈડ જોનની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે આરોપી શ્રીરંગ અરવપલ્લીને ઓળખતો ન હતો, પરંતુ તેણે તેના બાહ્ય દેખાવ પરથી કારનો પીછો કર્યો હતો.