વોશિંગ્ટનઃ ભારતવંશી મનપ્રીત મોનિકા સિંઘે અમેરિકામાં ઇતિહાસ રચ્યો છે. મનપ્રીત મોનિકા સિંઘે હેરિસ કાઉન્ટીમાં જજ તરીકે શપથ લીધા છે. આ સાથે તેઓ જજ બનનાર અમેરિકામાં પ્રથમ શીખ મહિલા બન્યા છે. મનપ્રીત મોનિકા સિંઘનો જન્મ અને ઉછેર અમેરિકાના ટેક્સાસ પ્રાંતના હ્યુસ્ટનમાં થયો છે. હાલમાં એ પોતાના પતિ અને બે બાળકો સાથે બેલેયરમાં રહે છે.
મનપ્રીત સિંઘે ટેક્સાસમાં લો નંબર-4માં હેરિસ કાઉન્ટી સિવિલ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે. મનપ્રીત મોનિકાએ પોતાના શપથ સમારોહમાં કહ્યું કે આ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે હ્યુસ્ટનનું પ્રતિનિધિત્વ કરું છું, એટલા માટે હું આનંદિત છું.
તેમના પિતા ભારતીય હતા, એ 1970ના દાયકાના આરંભમાં ઈન્ડિયાથી અમેરિકા આવ્યા હતા. મોનિકા સિંઘે 20 વર્ષ વકીલ તરીકે કામ કર્યું છે. એ રાજય અને રાષ્ટ્રીય સ્તર પર કેટલાય નાગરિક અધિકાર સંગઠનો સાથે જોડાયેલા રહ્યા છે. મનપ્રીત મોનિકા સિંહના શપથ સમારોહની અધ્યક્ષતા રાજ્યના પ્રથમ સાઉથ એશિયન જજ તથા ભારતીય-અમેરિકી જજ રવિ સેન્ડિલે કરી હતી.
શપથ સમારોહ દરમિયાન કોર્ટરુમમાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જજ સેન્ડિલે પોતાના સંબોધનમાં કહ્યું કે શીખ સમુદાય માટે વાસ્તવમાં એક મોટી ક્ષણ છે. મનપ્રીત ફક્ત શીખો માટે જ નહીં, પરંતુ એ તમામ રંગની મહિલાઓ માટે એક રાજદૂત છે.