અમેરિકામાં મહિલાઓની ગર્ભપાતના અધિકારની માગણી સાથે ‘સેક્સ સ્ટ્રાઈક’

Tuesday 28th June 2022 07:26 EDT
 
 

વોશિંગ્ટનઃ ગર્ભપાતનો અધિકાર છીનવી લેતા યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આક્રોશ દર્શાવવા મહિલાઓએ અનોખી ઝૂંબેશ સાથે આંદોલન શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ગર્ભપાતની કાયદાકીય પરવાનગી રદ કરી એ પછી મહિલાઓએ સેક્સ સ્ટ્રાઈક શરૂ કરી છે. આંદોલનકારી મહિલાઓએ અપીલ કરી છે કે જ્યાં સુધી નવો ચુકાદો ન આવે ત્યાં સુધી શારીરિક સંબંધો બાંધવાથી દૂર રહો. સોશિયલ મીડિયામાં પણ #SexStrike ટ્રેન્ડિંગ છે.

અમેરિકન સુપ્રીમ કોર્ટે ૫૦ વર્ષ જૂના ગર્ભપાતના ચુકાદાને ઊલટાવી નાંખતા મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપતી જોગવાઇ રદ કરી નાંખી છે. છેલ્લાં ૫૦ વર્ષથી અમેરિકામાં મહિલાઓને ગર્ભપાતનો અધિકાર મળતો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ, પૂર્વ પ્રમુખ બરાક ઓબામા સહિતના અસંખ્ય જાહેરજીવનના લોકોએ આ ચુકાદાની ટીકા કરી છે.
આ ચુકાદા સામે આંદોલન વધારે ઉગ્ર બન્યું છે. અમેરિકાના મહિલા સંગઠનોએ ઠેર-ઠેર દેખાવો શરૂ કર્યા છે. એટલું જ નહીં, એક નવી જ પદ્ધતિથી આંદોલન શરૂ થયું છે. આંદોલનકારી મહિલાઓએ મહિલાઓને અપીલ કરી હતી કે જ્યાં સુધી ગર્ભપાતનો અધિકાર પાછો ન મળે ત્યાં સુધી સેક્સથી દૂર રહેજો. પાર્ટનર સાથે શારીરિક સંબંધ ન બાંધવાની અપીલને સેક્સ સ્ટ્રાઈક નામ અપાયું છે. અમેરિકાના સોશિયલ મીડિયામાં પણ હેશટેગ સેક્સ સ્ટ્રાઈક ટ્રેન્ડિંગ બન્યું છે. સોશિયલ મીડિયામાં મહિલા યુઝર્સે લખ્યું હતું કે આપણે અનિચ્છિત ગર્ભનું જોખમ ન લઈ શકીએ. જો પુરુષો સાથે શારીરિક સંબંધ બંધાશે તો એ જોખમ રહેશે. જ્યાં સુધી મહિલાઓને અનપેક્ષિત ગર્ભથી બચવાનો બંધારણીય અધિકાર નહીં મળે ત્યાં સુધી શારીરિક સંબંધો બાંધવામાં આવશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter