વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યું છે તે પછી હિન્દુઓ વિરુદ્ધ નફરત અને ધિક્કારનું પ્રમાણ વધ્યું છે. હિન્દુઓ અમેરિકનોની રોજગારી છીનવી રહ્યા હોવાના દાવાઓ વચ્ચે વોશિંગ્ટન સ્થિત પ્રખ્યાત ગ્લોબલ થિંક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના તાજા અભ્યાસ મુજબ દેશમાં રહેતો હિન્દુ સમુદાય સૌથી શિક્ષિત ધાર્મિક સમુદાય બનીને ઊભરી આવ્યો છે. અમેરિકાના હિન્દુઓએ પારંપરિકરૂપે સૌથી શિક્ષિત મનાતા યહુદી સમાજને પણ પાછળ પાડી દીધો હોવાનું રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં જણાવાયું છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના આ રિપોર્ટે માત્ર હિન્દુઓની ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા જ નથી દર્શાવી, પરંતુ અમેરિકાના આર્થિક અને સામાજિક વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડયો છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના આ અભ્યાસમાં રજૂ થયેલા રિલિજિયસ લેન્ડસ્કેપ સ્ટડીના આંકડાઓએ અમેરિકન સમાજની એક નવી તસવીર રજૂ કરી છે. આ રિપોર્ટ મુજબ ઉચ્ચ શિક્ષણની બાબતમાં હિન્દુ સમુદાય સૌથી ટોચ પર છે. અમેરિકામાં રહેતા પ્રત્યેક 10માંથી 7 હિન્દુ એટલે કે 70 ટકા હિન્દુઓ બેચલરની ડિગ્રી અથવા તેનાથી ઉચ્ચ સ્તરનું શિક્ષણ ધરાવે છે. આ રિપોર્ટમાં વધુ એક રસપ્રદ બાબત એ પણ સામે આવી છે કે શિક્ષણની બાબતમાં બીજા નંબર પર રહેનારા યહુદી સમુદાયના 65 ટકા લોકો પાસે ડિગ્રી છે, પરંતુ હિન્દુઓની સરખામણી આખા અમેરિકાની સરેરાશ સાથે વાત કરવામાં આવે તો તેમની સફળતા વધુ મોટી જોવા મળે છે.
હિન્દુઓની શૈક્ષણિક યોગ્યતા રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણી
અમેરિકાના કુલ વયસ્કોમાંથી માત્ર 35 ટકા પાસે જ કોલેજ સ્તરની ડિગ્રી છે જ્યારે હિન્દુઓનો આંકડો 70 ટકા જેટલો છે. મતલબ કે અમેરિકામાં રહેતા હિન્દુઓની શૈક્ષણિક યોગ્યતા ત્યાંની રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણી છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના નવા વિશ્લેષણ મુજબ અમેરિકામાં હિન્દુઓ સૌથી વધુ શિક્ષિત ધાર્મિક સમુદાય બનીને ઉભર્યા છે. ત્યાર પછી બીજા ક્રમે યહુદી સમુદાય આવે છે. આ અભ્યાસમાં અમેરિકાના બધા જ મુખ્ય ધાર્મિક જૂથોના શૈક્ષણિક સ્તરની સ્થિતિનું આકલન કરાયું હતું. પ્યૂ રિસર્ચ સેન્ટરનું કહેવું છે કે, 2023-24 રિલિજિયસ લેન્ડસ્કેપ સ્ટડીના આ પરિણામો અમેરિકામાં ધર્મ અને જાહેર જીવન પર કરાયેલા અત્યાર સુધીના સૌથી મોટા અને વ્યાપક સર્વેક્ષણોમાંથી એક છે. આ ડેટા અમેરિકન સમાજમાં વિવિધ સમુદાયોની બદલાતી સ્થિતિ અને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને દર્શાવે છે. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે સરેરાશ કરતાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવનારા અન્ય ધાર્મિક જૂથોમાં મુસ્લિમ, બૌદ્ધ અને ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. આ ત્રણેય સમુદાયોમાં પણ શિક્ષણ પ્રત્યે ઘણી જાગૃતિ જોવા મળી છે જ્યાં પ્રત્યેક 10માંથી 4થી વધુ વયસ્કો પાસે ઓછામાં ઓછા બેચલરની ડિગ્રી છે. આ રિપોર્ટ અમેરિકામાં વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે શિક્ષણમાં મોટું અંતર દર્શાવે છે.


