વોશિંગ્ટનઃ યુએસમાં રોબોકોલ કૌભાંડમાં બે ભારતીયોને 41 મહિના જેલની સજા ફરમાવવામાં આવી છે. અમેરિકાના એક એટર્નીના જણાવ્યા અનુસાર બે ભારતીય નાગરિકોને પીડિતો પાસેથી ગેરકાયદે 12 લાખ ડોલર લેવાના કેસમાં સજા ફટકારવામાં આવી છે.
એટર્ની ફિલિપ સેલિગરે જણાવ્યું હતું કે 29 વર્ષીય અરુશોબાઇક મિત્રા અને 25 વર્ષીય ગરબિતા મિત્રાને અમેરિકન ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા છેતરપિંડીના કાવતરાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમણે કોલ સેન્ટરની મદદથી અમેરિકન નાગરિકો અને વૃદ્ધોને નિશાન બનાવ્યા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ રોબોકોલ કરીને પીડિતોનો સંપર્ક સાધતા હતા. આરોપીઓએ છેતરપિંડી માટે અનેક યોજનાઓની પણ મદદ લીધી હતી. જેમાં એફબીઆઇ કે ડીઇએના અધિકારી બતાવી તેમની સાથે છેતરપિડી આચરવામાં આવતી હતી. એટલું જ નહીં તેમના દ્વારા પીડિતોને તેમની વાત ન માનવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપવામાં આવતી હતી. પરિણામે લોકો ગભરાઇને નાણાં ચૂકવવા તૈયાર થઇ જતા હતા.