અમેરિકામાં લાખો ભારતીયોની રોજીરોટી છીનવતા એચ-૧બી બિલ પાસ

Friday 17th November 2017 07:30 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાઈ દેશોના પ્રવાસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે પણ બીજી તરફ હવે અમેરિકામાં ભારતીયોની નોકરી છીનવવાનું શરૂ કરી દીધુ છે. અમેરિકાની કોંગ્રેસ કમિટીએ એચ-૧બી વિઝામાં કાપ મુકવા માટે ધરખમ ફેરફારો કર્યા છે. જે મુજબ હવેથી એચ-૧બી વિઝા ધારકોને અમેરિકામાં લઘુતમ વેતન ૬૦,૦૦૦ ડોલરથી વધારીને ૯૦,૦૦૦ આપવું ફરજિયાત કરી દેવાયું છે. આ માટેના બિલને અમેરિકાની કોંગ્રેસ કમિટીએ મંજૂર પણ કરી દીધું છે. અમેરિકામાં એચ-૧બી વિઝા ધારકોમાં ભારતીયો સૌથી વધુ છે, ખાસ કરીને આઇટી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે જતા ભારતીયો એચ-૧બી વિઝા દ્વારા જ જઇ શકે છે. માટે તેઓને હવે અમેરિકામાં નોકરી મળવી મુશ્કેલ થઇ શકે છે.

ટ્રમ્પનું આયોજન એવું છે કે જો એચ-૧બી વિઝા ધારકોનો લઘુત્તમ પગાર જ વધારે નક્કી કરી દેવાય તો અમેરિકાની કંપનીઓ વિદેશીઓને નહીં પણ સ્થાનીકોને નોકરીએ રાખવા મજબુર થશે. આમ કરવાથી અમેરિકનોને પહેલા લાભ મળશે અને બાદમાં જરૂર પડી તો જ વિદેશીઓને નોકરીએ કંપનીઓ રાખી શકશે. જોકે એક દલીલ એવી પણ છે કે જો ભારતીયો અમેરીકનો કરતા વધુ કુશળ હોય તો તેમને ઉંચા પગારે પણ આ કંપનીઓ નોકરીએ રાખવા મજબુર થશે. હાલ જે બિલને કમિટીએ મંજૂર કર્યું છે. તેને હવે સંસદમાં રજુ કરવામાં આવશે અને સંસદ આ અંગે આગામી નિર્ણયો લેશે. જોકે ટ્રમ્પના આ નિર્ણયને અમેરિકનો તો આવકારી રહ્યા છે પણ ભારતીયો વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમના વખાણ પણ કર્યા હતા જોકે બીજી તરફ આ જ ટ્રમ્પે ભારતીયોની અમેરિકામાં રોજીરોટી છીનવી લેવાનું હવે શરૂ કરી દીધુ છે. અમેરિકાની કંપનીના સંગઠન દ્વારા આ પગલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કોઇ કંપની આ બિલનો અમલ નહીં કરે તો તેની વિરુદ્ધ આકરા પગલા લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter