વોશિંગ્ટનઃ અમેરિકામાં અંદાજે 7.25 લાખ ભારતીય ગેરકાયદે વસે છે. અમેરિકામાં વસતાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની બાબતમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ ભારતીયો ત્રીજા ક્રમે હોવાનું વોશિંગ્ટન બેઝ્ડ થિન્ક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં જણાવાયું છે.
વર્ષ 2021ની સ્થિતિએ અમેરિકામાં 1.05 કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટ હતા, જે આંકડો અમેરિકાની કુલ વસ્તીના લગભગ ત્રણ ટકા અને વિદેશમાં જન્મેલા અમેરિકનોની વસ્તીના 22 ટકા છે.
2007થી 2021 દરમિયાન અમેરિકામાં વિશ્વના લગભગ દરેક ખૂણામાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યા છે. જે પૈકી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો સૌથી મોટો વધારો સેન્ટ્રલ અમેરિકા (2.40 લાખ) અને દક્ષિણ તથા પૂર્વ એશિયા (1.80 લાખ)માં નોંધાયો છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા મેક્સિકોના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો આંકડો 2021માં 41 લાખ હતો, જે 1990ના દાયકા બાદ સૌથી નીચો છે જયારે અમેરિકામાં અલ સાલ્વાડોરના 8 લાખ અને ભારતના 7.25 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે.
અમેરિકામાં જે દેશોના સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે તેમાં ભારત, બ્રાઝિલ, કેનેડા અને પૂર્વ સોવિયેત યુનિયનના દેશો સામેલ છે અને 2017થી 2021 દરમિયાન અમેરિકામાં આ તમામ દેશોના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે.
રિપોર્ટ મુજબ 2021માં અમેરિકાના જે છ સ્ટેટમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સૌથી વધુ સંખ્યા હતી તેમાં કેલિફોર્નિયા (19 લાખ), ટેક્સાસ (16 લાખ), ફ્લોરિડા (9 લાખ), ન્યૂ યોર્ક (6 લાખ), ન્યૂ જર્સી (4.5 લાખ) અને ઇલિનોય (4 લાખ)નો સમાવેશ થતો હતો. 2021માં અમેરિકામાં અન્ય દેશોના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ 64 લાખ હતા, જે 2017ની સરખામણીમાં 9 લાખનો વધારો દર્શાવે છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના નવા અંદાજ મુજબ અમેરિકામાં ભારત, ગ્વાટેમાલા અને હોન્ડુરાસના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ 2017 બાદ વધ્યા છે અને 2021માં અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો આંકડો 1.05 કરોડે પહોંચી ચૂક્યો છે.
કાયદેસર ઇમિગ્રન્ટ્સમાં 80 લાખનો ઉમેરો
અમેરિકામાં કાયદેસર ઇમિગ્રન્ટ્સની વસ્તીમાં પણ 8 મિલિયન કરતાં વધારે વૃદ્ધિ થઇ છે, જે 29 ટકા વધારો દર્શાવે છે જ્યારે નેચરલાઇઝ્ડ યુએસ સિટિઝન્સની સંખ્યા 49 ટકા વધી છે. 2021માં અમેરિકામાં નેચરલાઇઝ્ડ સિટિઝન્સ દેશના તમામ ઇમિગ્રન્ટ્સના અડધા (49 ટકા) હતા.