લંડનઃ માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટ દ્વારા જારી કરાયેલા એક અભ્યાસ અનુસાર અમેરિકામાં હાલ 49 લાખ ભારતીયો વસવાટ કરી રહ્યાં છે. અમેરિકામાં વસતા આ 49 લાખ ભારતીયો પૈકીના મોટાભાગનાનો જન્મ ભારતમાં થયો છે અથવા તો તેઓ ભારતીય મૂળ ધરાવે છે. અમેરિકામાં વસતા વિદેશી સમુદાયોની દ્રષ્ટિએ ભારતીયો 10મા સ્થાને આવે છે. ચીની લોકો 54 લાખની સંખ્યા સાથે 9મા સ્થાને છે. અમેરિકામાં વસતા ટોપ થ્રી સમુદાયોમાં 4 કરોડ 10 લાખ જર્મન, 3 કરોડ 80 લાખ મેક્સિકન અને 3 કરોડ 20 લાખ આઇરિશ લોકો છે.
જોકે મેક્સિકનો બાદ ભારતીયો બીજા ક્રમનો ઇમિગ્રન્ટ સમુદાય છે. અમેરિકાના નોન ઇમિગ્રન્ટ એચ-વનબી વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયો દ્વારા લેવામાં આવે છે. 2021ના આંકડા અનુસાર અમેરિકામાં 27 લાખ ભારતીયો વસવાટ કરે છે જેમનો જન્મ ભારતમાં થયો છે. જે અમેરિકાની વિદેશમાં જન્મેલી વસતીના 6 ટકા છે.
ડાયસપોરા અને ઇમિગ્રેશન સ્ટેટિસ્ટિક્સમાં મોટા તફાવતનું કારણ અમેરિકામાં 1965 પછી નોન યુરોપિયન સમુદાયો માટે ઇમિગ્રેશનના દ્વાર ખુલ્લા મૂકાયા હતા. 2000 પછી અમેરિકામાં આવનારા વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે.