અમેરિકામાં હિંદુત્વ વિરોધી કાર્યક્રમના આયોજનથી હિંદુઓમાં આક્રોશ

Wednesday 08th September 2021 05:58 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં આગામી સપ્તાહે હિંદુત્વ અને હિંદુ ધર્મની ટીકા કરવા માટે યોજાનારી 'ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ' કોન્ફરન્સથી માત્ર અમેરિકા જ નહીં સમગ્ર વિશ્વના હિંદુઓમાં આક્રોશ ફેલાયો છે અને તેમણે આ કોન્ફરન્સનો ઉગ્ર વિરોધ કર્યો છે. હિંદુઓના વિરોધને પગલે આ કાર્યક્રમને સપોર્ટ કરનારી વિશ્વની અનેક ખ્યાતનામ યુનિવર્સિટીઓએ પીછેહઠ કરવી પડી છે. તેમણે કોન્ફરન્સના આયોજન સાથે છેડો ફાડી નાંખ્યો છે તેમજ આયોજકોને કાર્યક્રમમાં યુનિવર્સિટીના લોકોના ઉપયોગનો ઈનકાર કર્યો છે.
આ કોન્ફરન્સના બ્રોશરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપ સરકારને કોમવાદી, આત્યંતિક અને હિંદુ ધર્મને નામે દુષણ ફેલાવનારા ગણાવાયા છે. આ કોન્ફરન્સના આયોજકોએ પોતાના નામ જાહેર કર્યા નથી. પરંતુ તેમના બ્રોશરમાં વિશ્વની ૫૦થી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા કાર્યક્રમને સમર્થન હોવાનો દાવો કરાયો છે.
અમેરિકામાં હિંદુ અધિકારોની તરફેણ કરતા સંગઠન હિંદુ અમેરિકન ફાઉન્ડેશને આ કાર્યક્રમને સમર્થન આપનારી યુનિવર્સિટીઓ અને કોલેજોને તેમનું સમર્થન પાછું ખેચવા અનુરોધ કર્યો હતો. અમેરિકાના ઓહાયો સ્ટેટના પ્રથમ હિન્દુ સેનેટર નીરજ અંતાણીએ આ કાર્યક્રમની ઉગ્ર ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, આ કોન્ફરન્સ અમેરિકામાં હિંદુઓ પર ધૃણાસ્પદ હુમલા સમાન છે.
ઉત્તર અમેરિકાના હિન્દુઓના સંગઠન (કોહના) એ આ કાર્યક્રમને સમર્થન આપનારી યુનિવર્સિટીઓ, શિક્ષણવિદો અને કોલેજોને ૩,૫૦,૦૦૦થી વધુ ઈ-મેલ કરીને સમર્થન પાછું ખેંચવા અનુરોધ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter