અમેરિકામાં હિન્દુ ખતરામાંઃ હિન્દુફોબિયા સામે કોંગ્રેસનો ઠરાવ

Sunday 21st April 2024 09:19 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ‘હિન્દુ ફોબિયા’ એટલે કે હિન્દુ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ, હિન્દુવિરોધી કટ્ટરતા અને હેટ ક્રાઇમની ટીકા કરતો પ્રસ્તાવ રજૂ કરાયો છે. હિન્દુ બાળકો સાથે શાળા-કોલેજોમાં બુલિંગ, ભેદભાવ, હેટ સ્પીચ અને પૂર્વગ્રહથી પ્રેરિત ગુના વધી રહ્યા છે. કોંગ્રેસના સભ્ય થાનેદાર વતીથી લવાયેલા પ્રસ્તાવમાં કહેવાયું છે કે એફબીઆઇના અહેવાલ પ્રમાણે ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઇમ વધ્યો છે અને તે અમેરિકન સમાજ માટે બહુ મોટાં જોખમનો સંકેત છે.

પ્રસ્તાવમાં કહેવાયું છે કે એફબીઆઇના હેટ ક્રાઇમ સ્ટેટેસ્ટિક રિપોર્ટ પ્રમાણે મંદિરો અને વ્યક્તિઓને નિશાન બનાવનારા હિન્દુવિરોધી હેટ ક્રાઇમમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં, દુર્ભાગ્યવશ અમેરિકન સમાજમાં હિન્દુ ફોબિયા વધી રહ્યો છે.
અહેવાલ પ્રમાણે અમેરિકાએ 1900 પછીથી વિશ્વના તમામ ભાગોમાંથી 40 લાખથી વધુ હિન્દુઓનું સ્વાગત કર્યું છે, તેમાં વિવિધ જાતિ, ભાષા અને વંશીય પાર્શ્વભૂમિ ધરાવતા હિન્દુઓનો સમાવેશ થાય છે.
પ્રસ્તાવ પ્રમાણે અમેરિકાની અર્થવ્યવસ્થાનાં પ્રત્યેક પાસાં અને પ્રત્યેક ઉદ્યોગમાં હિન્દુ-અમેરિકનોના યોગદાનથી દેશને ઘણો લાભ થયો છે. ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝની નીતિ અને રણનીતિના પ્રમુખ ખાંડેરાવ કાંડે કહ્યું હતું કે શ્રદ્ધાળુઓને ડરાવવા માટે મંદિરોમાં ચોરીની સાથેસાથે તોડફોડની ઘટનાઓમાં વધારો થયો છે.
6 મંદિર પર વાંધાજનક સૂત્રોચ્ચાર
નવેમ્બર 2023થી જાન્યુઆરી 2024 વચ્ચે કેલિફોર્નિયા અને ન્યૂયોર્કના છ મંદિરો પર વાંધાજનક સૂત્રો લખાયાં હતાં. જ્યોર્જિયામાં ‘હિન્દુ ફોબિયા’ની ટીકા કરનારો એક પ્રસ્તાવ ગત વર્ષે પસાર થઈ ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter