અમેરિકામાં હિમ તોફાનઃ ૨૦૦૦ ફ્લાઇટ રદઃ હજારો ઘરમાં અંધારપટ

Thursday 18th March 2021 04:36 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં બરફના તોફાને કહેર વર્તાવ્યો છે. કોલોરાડો, નેબ્રાસ્કા અને વ્યોમિંગમાં ભારે બરફવર્ષા થઈ છે. ઠેર-ઠેર ત્રણ-ત્રણ ફૂટ સુધીનો બરફ જામી ગયો હતો. ભારે બરફવર્ષા બાદ ડેનવરને જોડતી ૨૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. ઠેર-ઠેર બરફના થર જામી ગયા હતા. સરકારી વિભાગોના આંકડા પ્રમાણે ૩૨ હજાર ઘરોમાં વીજળી ગૂલ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ભારે બરફવર્ષાના કારણે અસંખ્ય લોકોએ અંધારપટ્ટમાં રાત વીતાવી હતી.
બરફના તોફાનમાં ૫૦ લોકો ફસાઈ ગયા હતા. કેટલાક વાહનો સાથે ફસાયા હતા. એ બધા જ લોકોને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કોલોરાડોમાં ભારે બરફના તોફાનના કારણે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. લોકોને અનિવાર્ય કારણો વગર બહાર ન નીકળવાની પણ ચેતવણી સરકારે આપી છે. કોલોરાડો ઉપરાંત વ્યોમિંગ અને નેબ્રાસ્કામાં પણ ભારે બરફ પડયો હતો. ત્રણ-ત્રણ ફૂટ બરફના થર જામી ગયા હતા.
નેશનલ વેધર સર્વિસના અહેવાલમાં કહેવાયું હતું કે આ વિસ્તારોમાં ૯૦થી લઈને ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. કોલોરાડોના ઘણાં સ્થળોએ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. બરફવર્ષાના કારણે અસંખ્ય મુખ્ય રસ્તા બંધ થઈ ગયા હતા. એ રસ્તાઓને ખોલવા માટે સ્થાનિક તંત્રએ મથામણ આદરી હતી.
ડેનવરના તમામ રન-વે બંધ
કોલોરાડોનું ડેનવર એરપોર્ટ અમેરિકાનું છઠ્ઠા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, પરંતુ બરફના તોફાનના કારણે તમામ છ રન-વે બંધ કરવા પડયા હતા. તેના કારણે અસંખ્ય ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવી પડી હતી અને અસંખ્ય રદ્ કરવાની ફરજ પડી હતી. તેના કારણે કેટલાય મુસાફરો ફસાઈ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter