વોશિગ્ટનઃ અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ વર્ષ ૨૦૧૮માં હેટ ક્રાઈમ (નફરત ભર્યા ગુના)ના આંકડા બહાર પાડ્યા છે. તે મુજબ, ગત વર્ષે અમેરિકામાં વ્યક્તિગત હેટ ક્રાઈમ ૧૬ વર્ષમાં સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયો. એફબીઆઈના જણાવ્યા મુજબ, એક વર્ષમાં લેટિન મૂળના લોકોની વિરુદ્ધ સૌથી વધુ હેટ ક્રાઈમની ઘટનાઓ થઈ છે. આ ઉપરાંત મુસ્લિમ, યહૂદી અને શીખો પણ મોટી સંખ્યામાં હેટ ક્રાઈમના શિકાર થયા છે. ૨૦૧૭થી ૨૦૧૮ની વચ્ચે શીખો વિરુદ્ધ નફરત ભર્યા અપરાધિક મામલા ત્રણ ગણા વધ્યા છે. એફબીઆઈ એન્યુઅલ હેટ ક્રાઈમ્સના રિપોર્ટ મુજબ, ૨૦૧૭માં શીખોની વિરુદ્ધ ૨૦ હેટ ક્રાઈમની ઘટનાઓ સામે આવી હતી, જોકે ૨૦૧૮માં આવા ગુનાઓની સંખ્યા ૬૦ સુધી પહોંચી ગઈ છે.