લોસ એન્જલસઃ વિશ્વના અનેક મહાનુભાવો, નેતાઓ, અભિનેતાઓથી માંડીને આમ આદમીના ઇન્ટરવ્યુ લેનાર સીએનએનના ખુબ જ જાણીતા એન્કર લેરી કિંગનું શનિવારે - ૨૩ જાન્યુઆરીએ ૮૭ લર્ષની વયે નિધન થયું છે.
ઓરા મીડિયાના સ્થાપક એવા લેરી કિંગે સેડાર્સ-સીનાઈ મેડિકલ સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનનું કોઇ કારણ જણાવાયું નથી, પરંતુ સીએનએનએ અગાઉ બીજી જાન્યુઆરીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કિંગને કોવિડ-૧૯ સંક્રમણના કારણે એક સપ્તાહ કરતાં વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
૧૯૮૫થી ૨૦૧૦ સધી રેડિયો હોસ્ટ (એન્કર) તરીકે રહેલા કિંગ દર પખવાડિયે સીએનએન પર પોતાનો કાર્યક્રમ રજૂ કરતા હતા. તેઓ પીબોડી સહિત અનેક એવોર્ડ-ખિતાબથી સન્માનિત થઇ ચૂક્યા હતા.
તેમની કારકિર્દીની શરૂઆતમાં ‘લેરી કિંગ શો’ વોશિંગ્ટનમાંથી પ્રસારિત-નિર્મિત થયો હતો, જેના કારણે શોને અને કિંગ બંનેને પ્રચંડ લોકપ્રિયતા મળી હતી. તેમણે એક અંદાજ મુજબ ટીવી પર ૫૦ હજારથી ઇન્ટરવ્યુ લીધા હતા. ટોચના મહાનુભાવોથી માંડીને દિગ્ગજ કલાકારો તેમના શોમાં હાજરી આપવાને પોતાનું સદભાગ્ય સમજતા હતા.