અમેરિકી ટેલિકોમ કંપનીઓના લાખો ફોન અનલોક કરી 25 મિલિયન ડોલરનું કૌભાંડ

કર્મચારીઓના દસ્તાવેજ ચોરી ફોન અનલોક કરી આપનાર પૂર્વ રિટેલ સ્ટોર માલિક દોષી

Wednesday 10th August 2022 06:48 EDT
 

લોસ એન્જલસ

2014થી 2019ની વચ્ચે લાખો મોબાઇલ ફોનને અનલોક કરવા ચોરેલા દસ્તાવેજોનો ઉપયોગ કરવા માટે લોસ એન્જલસની જ્યુરીએ ટી મોબાઇલના એક રિટેલ સ્ટોરના પૂર્વ માલિકને દોષી ઠરાવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે, આર્ગિશ્ટી ખુડાવેર્દ્યાને ટી મોબાઇલના કર્મચારીઓના દસ્તાવેજો ચોરીને ગેરકાયદેસર રીતે કંપનીની ઇન્ટરનલ કોમ્પ્યુટર સિસ્ટમોનો ઉપયોગ કરી લાખો મોબાઇલ ફોન અનલોક અને અનબ્લોક કરી 25 મિલિયન ડોલર જેવી માતબર રકમનું કૌભાંડ આચર્યું હતું.

આર્ગિશ્ટી ઓગસ્ટ 2014થી જૂન 2019ના સમયગાળામાં 50થી વધુ કર્મચારીઓના દસ્તાવેજોનો ઉપયોગ કરીને સ્પ્રિન્ટ, એટી એન્ડ ટી અને અન્ય ટેલિકોમ કંપનીઓના મોબાઇલ ફોન અનલોક કરતો હતો. આ સમયગાળામાં ટી-મોબાઇલ જેવી કંપનીઓએ તેમના ગ્રાહકોના ફોન લોક કર્યા હતા જેથી તેઓ ફક્ત તેમની જ કંપનીના નેટવર્કનો ઉપયોગ કરે. જો ગ્રાહક અન્ય કંપનીની સેવાઓ ઇચ્છતો હોય તો તેને ફોન અનલોક કરાવવો પડે. ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોના ફોન બ્લોક પણ કર્યા હતા જેથી તેમને ફોન ચોરાય તો તેની સામે રક્ષણ મળી રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter