અમેરિકી રાજકારણમાં વર્ચસ્વ વધારવા સક્રિય થયા છે હિન્દુ દાતાઓ,રાજકારણીઓ અને સંગઠનો

યુએસ ચૂંટણીમાં હિન્દુ વોટનું પરિબળ ઉપસી રહ્યું છે

Tuesday 05th March 2024 13:23 EST
 
 

વોશિંગ્ટનઃ યુએસ કોંગ્રેસ માટે રિપબ્લિકન ઉમેદવાર નીરજ અંતાણી પોતાના હિન્દુ ધર્મને આક્રમકતા સાથે આગળ વધારી રહ્યા છે. કોંગ્રેસ માટે ડેમોક્રેટિક ઉમેદવાર ભાવિની પટેલ હિન્દુ નેશનાલિસ્ટ દાતાઓ સાથે મેળમિલાપ વધારી રહ્યાં હોવાનાં આક્ષેપોનો સામનો કરી રહ્યાં છે. ભારતીય મૂળના દાતાઓ 2024ના કેમ્પેઈન મેનિફેસ્ટોમાં ‘હિન્દુ પેજ’ રાખવા બાઈડેન-હેરિસ પર દબાણ કરી રહ્યા છે.

હિન્દુ વોટનું ઉપસી રહેલું નવું પરિબળ યુએસમાં હિન્દુઓની સંખ્યા કેટલી છે તે વિશે કોઈ ચોક્કસ નથી કારણકે યુએસ સેન્સસ તેના સર્વેઝમાં ધાર્મિક સંબંધ કે જોડાણની નોંધ કરતા નથી. આમ છતાં, કેટલાક અંદાજો બાંધવામાં આવ્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર 2015માં 0.7 ટકા અમેરિકન્સ હિન્દુ હતા અને 2050 સુધીમાં આંકડો વધીને 4.8 મિલિયન થવાનો અંદાજ મૂકાયો હતો. હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલે 2018માં હિન્દુની સંખ્યા 2.5 મિલિયન ગણાવી હતી. કેટલાક હિન્દુ અમેરિકનો ઉદારપણે 5 મિલિયન હિન્દુની સંખ્યા મૂકે છે જેમાં, શીખ અને જૈનનો પણ સમાવેશ કરાયો છે.

ડોનેશનની મોટી રકમના ચેકનું પણ મહત્ત્વ

યુએસ રાજકારણમાં હિન્દુ અમેરિકનોની સંખ્યાની સાથોસાથ તેઓ ડોનેશનની કેટલી મોટી રકમનો ચેક લખી શકે છે તેનું પણ મહત્ત્વ છે. નીરજ અંતાણી અવારનવાર પોતાને હિન્દુ ગણાવતા રહે છે. તેમણે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમયે એકસ પર કરેલા ટ્વીટમાં પોતાને ઓહાયો રાજ્યમાં પ્રથમ હિન્દુ અમેરિકન સેનેટર ગણાવ્યા હતા અને BAPS સિનસિનાટી મંદિરમાં ભગવાન રામના દર્શન કર્યા બાબતે અહોભાવ દર્શાવ્યો હતો. હિન્દુ અમેરિકન પીએસી તરફથી તેમને સમર્થન પ્રાપ્ત છે. પેન્સિલ્વેનિયામાં ડેમોક્રેટિક ઉમેદવાર ભાવિની પટેલ સામેહિન્દુ રાષ્ટ્રવાદી દાતાઓ સાથે મેળમિલાપ તેમજ ઈઝરાયેલ માટે સતત સમર્થન બદલ આક્ષેપો થયે રાખે છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના સહસ્થાપક અને હિન્દુ અમેરિકન પીએસીના ચેર મિહી મેઘાણી સાથે ફંડરેઈઝિંગ હાકલને આનો પુરાવો ગણાવાય છે. લાંબા સમયથી ડેમોક્રેટિક ડોનર અને સ્ટ્રેટેજિસ્ટ રમેશ કપૂરના કહેવા મુજબ હિન્દુ મત તો હંમેશાંથી રહ્યા છે પરંતુ, તેને જાહેરમાં માન્યતા મળી ન હતી. પરંતુ, હવે 2024ના ઈલેક્શનમાં તે મોખરે આવી રહેલ છે. જોકે, બાઈડેન-હેરિસના ચૂંટણી ઘોષણાપત્રમાં હિન્દુ પેજ સામેલ કરવાના દાતાસમૂહના દબાણને હજુ સફળતા મળી નથી. ‘જો‘સ વિઝન’ મેનિફેસ્ટોમાં મુસ્લિમ, જ્યુઝ, આફ્રિકન અમેરિકન અને ભારતીય અમેરિકન્સના સેક્શન્સ છે.

હિન્દુ અમેરિકન્સ મતની ખાઈ પૂરી શકે છે

સ્વિંગ સ્ટેટ ગણાતું વિસ્કોન્સિન મહત્ત્વ ધરાવે છે જ્યાં 2020માં બાઈડેન 20,000 મતે જીત્યા હતા. રાજ્યમાં અંદાજે 38,400 હિન્દુ છે અને 68,000 મુસ્લિમોએ પોકારેલા બહિષ્કારથી જે આઘાત લાગે તેમાં ખાઈ પૂરવાની ક્ષમતા રાખે છે. જ્યોર્જિયામાં હિન્દુ અમેરિકન્સ 12,000 મતે જીતેલા બાઈડનને મદદ કરવાની પોતાની ક્ષમતામાં વિશ્વાસ ધરાવે છે. આ રાજ્યમાં 123,000 મુસ્લિમ મતોની સરખામણીએ172,000 હિન્દુ અમેરિકન્સ છે. બાઈડન પેન્સિલ્વેનિયામાં 44,000 મતથી જીત્યા હતા. અહીં પણ 149,500 મુસ્લિમ મતોની સરખામણીએ 129,700 હિન્દુ અમેરિકન્સ છે જેનાથી ખાઈ પૂરાય નહિ પરંતુ, કેમ્પેઈનમાં મદદ અવશ્ય કરી શકે છે. આ ગણતરીઓ હિન્દુ અમેરિકન્સ ઘરમાં બેસી ન રહીને મત આપવા ઉમટી પડશે તેવી ધારણા પર આધારિત છે. આ હિન્દુ અમેરિકન્સ પોતાના રાજકીય પ્રભાવ મુદ્દે વિશ્વાસ ધરાવે છે.

હિન્દુ અમેરિકન્સ મુખ્યત્વે ભારતીય મૂળ ધરાવે છે છતાં, નેપાળ, બાંગલાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાંથી આવેલા અને પૂર્વ કોંગ્રેસવુમન તુલસી ગાબાર્ડના પરિવારની માફક ધર્માન્તર કરેલા અમેરિકન્સ પણ હિન્દુ છે. યુએસમાં ભારતીય અમેરિકન્સનું રાજકીય વજન વધી રહ્યું છે અને તેમાંથી ઘણા પોતાને હિન્દુ અમેરિકન્સ ગણાવે છે. ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની અભૂતપૂર્વ લોકપ્રિયતાના પરિણામે આ ટ્રેન્ડ વધ્યો છે. રિપબ્લિકન હિન્દુ કોએલિશન, અમેરિકન હિન્દુ કોએલિશન, હિન્દુઝ ફોર અમેરિકા, હિન્દુ અમેરિકન પીએસી (પોલિટિકલ એક્શન કમિટી) જેવાં જૂથો જોવાં મળે છે. બીજી તરફ, યુએસ કોંગ્રેસમાં 2017થી હાઉસ ઓફ રિપ્રેઝન્ટિવ્ઝમાં સભ્ય રહેલા ત્રણ ભારતીય અમેરિકન્સ રાજા કૃષ્ણામૂર્થિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલ હિન્દુ હોવાં છતાં, પોતાના રાજકીય વજનને આગળ વધારવા હિન્દુ ધર્મનો ભાગ્યે જ આશ્રય લેતા જણાય છે. જ્યારે 2023માં હાઉસમાં જોડાયેલા શ્રી થાણેદાર હિન્દુ કૌકસનું વડપણ સંભાળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter