વોશિંગ્ટનઃ અમેરિકી ઉપલા સદન સંસદ - સેનેટે વાર્ષિક સુરક્ષા બજેટ પર તાજેતરમાં મંજૂરીની મહોર મારી હતી. આ બજેટમાં સ્પેસ ફોર્સની રચના માટેની જોગવાઈ પણ છે. આ બજેટ સાથે સંકળાયેલા બિલમાં અમેરિકી સેનાની નવી શાખા તરીકે અંતરિક્ષ દળની સ્થાપનાની રજૂઆત કરાઈ છે જે વાયુ સેનાના નિયંત્રણમાં રહીને કામ કરશે. સેનેટે ૭૩૮ અરબ ડોલર (આશરે રૂ. ૫૨ લાખ કરોડ)ના સંરક્ષણ બજેટના બિલને ભારે બહુમતિ સાથે પાસ કર્યું છે. તરફેણમાં ૮૬ અને વિરોધમાં આઠ મત સાથે નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ (એનડીએએ) પાસ થયો હતો.