હ્યુસ્ટન, ટેક્સાસઃ ભગવાન શ્રી રામ અને પશ્ચાદભૂમાં અયોધ્યાના રામ મંદિરની ઈમેજ સાથેના વિશાળકાય બિલબોર્ડે હ્યુસ્ટનમાં 10 જાન્યુઆરીએ ઈતિહાસ રચ્યો હતો. આ પ્રોજેક્ટના વિચારક, ડિઝાઈનર લિવિંગ પ્લેનેટ ફાઉન્ડેશનના ડો. કુસુમ વ્યાસ છે જેઓ ગ્રીન કુંભ યાત્રા અને સેવ રામ સેતુ કેમ્પેઈનના સ્થાપક પણ છે. ભારતની બહાર કોઈ મોટા શહેરમાં શ્રી રામ અને અયોધ્યાનું રામ મંદિર બિલબોર્ડ પર દેખા દે તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના છે. આ બિલબોર્ડ યુએસના ચોથા ક્રમના શહેર હ્યુસ્ટનના સૌથી વ્યસ્ત વિસ્તાર ફાઉન્ટેનવ્યૂના 59 સાઉથ ખાતે મૂકાયેલું છે. અહીં દર સપ્તાહે 1.2 મિલિયનથી વધુ લોકો વાહનોમાં પસાર થાય છે અને આગામી 30 દિવસમાં આશરે 30 મિલિયન લોકો ભગવાન શ્રી રામના દર્શન કરશે તેમ ડો. વ્યાસનું કહેવું છે.
આ બિલબોર્ડ અમેરિકાના વંશીય સાંસ્કૃતિક ઈતિહાસના વળાંકબિંદુ સમાન બની રહેશે. અહીંના સમાજના નાના હિસ્સારૂપ 4થી 6 મિલિયન હિન્દુ/ભારતીય અમેરિકન્સ તેમની સંસ્કૃતિ અને ધર્મ, શાંતિ, એકતા અને સમાનતાના મૂલ્યોને આગળ વધારી રહ્યા છે. બિલબોર્ડ તેની 300 ફૂટની ઊંચાઈ સાથે અમેરિકી આકાશને પ્રકાશિત કરતી શ્રી રામ અને અયોધ્યાની છબીઓ સાથે હિન્દુઓમાં સૌથી પૂજનીય દેવોમાં એક ભગવાન શ્રી રામના તત્વનો સંદેશો પાઠવશે. ડો. કુસુમ વ્યાસ કહે છે કે,‘ હિન્દુઓ માને છે કે શ્રી રામ અને અયોધ્યાના દર્શન માત્રથી જ માનવ આત્મા મોક્ષને પામી શકે છે. બિલબોર્ડ મૂકાયું ત્યારથી સેંકડો લોકોએ તેમના દર્શન કર્યા છે. ઘણા તો ત્યાં થોભીને પ્રાર્થના પણ કરી લે છે. આમ આ બિલબોર્ડ હ્યુસ્ટનનું યાત્રાસ્થળ પણ બની ગયું છે.’
ડો. કુસુમ વ્યાસના વિચારને સમર્થન આપતા અગ્રણી બિઝનેસમેન ઉમંગ મહેતા કહે છે કે, ‘અયોધ્યામાં રામ મંદિર મક્કમ નિર્ધાર અને બહાદુર સ્ત્રીઓ અને પુરુષોના બલિદાનોના 500 વર્ષના સંઘર્ષનું પરિણામ છે. અમે મંદિરના ઉદ્ઘાટન માટે ખુદ અયોધ્યા જઈ શકીએ તેમ નથી ત્યારે ભગવાન શ્રી રામ અને અયોધ્યા મંદિરને જ અમેરિકા લઈ આવવાની ઈચ્છા રાખી હતી.