વોશિંગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક અમેરિકા પ્રવાસને હજુ મહિનો પણ પૂરો નથી થયો ત્યાં અમેરિકાએ ભારતની તરફેણમાં ચીનને મોટો ફટકો માર્યો છે. અમેરિકન સંસદની એક સમિતિએ અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવતા એક પ્રસ્તાવ પાસ કર્યો છે. અમેરિકાના આ પગલાંથી અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવતું ચીન ધુંધવાયું છે.
અમેરિકાના સાંસદો જેફ મર્કલે, બિલ હેગેર્ટી, ટીમ કાઈને અને ક્રિસ વાન હોલેને ૧૩ જુલાઇએ સેનેટમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં અમેરિકાએ ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશ અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચીન (પીઆરસી) વચ્ચેની મેકમોહન લાઈનને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપવાની પુષ્ટી કરી છે. તેણે અરુણાચલ પ્રદેશ પીઆરસીનો વિસ્તાર હોવાનો દાવો ફગાવી દીધો છે.
આમ અમેરિકન સંસદ મારફત ભારતે ચીનની દાદાગીરી વિરુદ્ધ મોટો સંદેશો આપ્યો છે. બીજી બાજુ ચીને અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ નામ આપ્યું છે અને તેને પોતાનો જ પ્રદેશ ગણાવે છે. અમેરિકન સાંસદ મર્કલેએ કહ્યું કે, સ્વતંત્રતા અને નિયમ આધારિત વ્યવસ્થાનું સમર્થન કરનારા અમેરિકન મૂલ્યો સમગ્ર દુનિયામાં આપણા બધા જ કામો અને સંબંધોના કેન્દ્રમાં હોવા જોઈએ. વિશેષરૂપે ચીન વૈકલ્પિક દૃષ્ટિકોણ અપનાવી રહ્યું છે ત્યારે અમેરિકન મૂલ્યો વધુ મહત્વના છે. સેનેટર મર્કલે ચીન પરની કોંગ્રેસનલ એક્ઝિક્યુટિવ કમિશનના સહ-અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે, સમિતિ દ્વારા આ પ્રસ્તાવ પાસ કરવો એ બાબતને પુષ્ટી આપે છે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ચીનનું નહીં, ભારતનું અભિન્ન અંગ માને છે. આ સાથે જ આ બાબત ક્ષેત્ર અને સમાન વિચારધારાવાળા આંતરરાષ્ટ્રીય ભાગીદારોને મજબૂત સહયોગ પૂરો પાડવાની અમેરિકાની કટિબદ્ધતા દર્શાવે છે.