વોશિંગ્ટનઃ માત્ર ૯ વર્ષનો ટેણિયો ફરી એક વખત વિશ્વભરના અખબારી માધ્યમોમાં છવાયો છે. હોલિવૂડ સેલિબ્રિટી સમાન આ બાળક દરરોજ માત્ર એક ૧ કલાકનું શૂટિંગ કરીને ૨૦૨૦માં સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર બન્યો છે. તેણે માત્ર યુટ્યુબ ચેનલ થકી જ ૨૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમાં તેણે અન્ય સ્રોત દ્વારા કરેલી કમાણી ઉમેરો તો આંકડો વર્ષેદહાડે ૧૪૦૦ કરોડ રૂપિયા પર પહોંચે છે.
આ ધનપતિ ટેણિયાનું નામ છે રેયાન કાજી. તે રોજ માત્ર ૧ કલાક માટે સ્ટુડિયો સેટ પર જાય છે. પહેલેથી તૈયાર સ્ક્રીનપ્લે પ્રમાણે શૂટ કરે છે અને પછી ઘરે પાછો આવીને અભ્યાસ અને ખેલકૂદમાં વ્યસ્ત થઇ જાય છે. બાકીનું બધું કામ તેના માતા-પિતા અને ૩૦ લોકોના સ્ટાફ સંભાળે છે. વર્ષ ૨૦૨૦માં સૌથી વધુ કમાણી કરનારા યુટ્યુબર્સમાં રેયાન ટોચના સ્થાને છે.
‘ફોર્બ્સ’ના રિપોર્ટ અનુસાર, રેયાને આ વર્ષે યુટ્યુબ દ્વારા ૨૨૦ કરોડ રૂપિયાની જ્યારે ટીવી શો તથા વોલમાર્ટ, એમેઝોન જેવી રિટેલ ચેઇન પર પોતાના બ્રાન્ડેડ ટોયઝ અને કપડાં દ્વારા ૧,૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી. વર્ષ ૨૦૧૮માં ન્યૂ યોર્કમાં યોજાયેલા ટોપ ફેરમાં તેણે રેયાન્સ વર્લ્ડ નામથી ટોયઝની રેન્જ લોન્ચ કરી હતી.
કમાણીમાં ૩ વર્ષથી ટોચ પર
સ્પોર્ટ્સ એનાલિસ્ટ હોવા ઉપરાંત એજ્યુકેશનલ વીડિયોઝ બનાવતો રેયાન સતત ૩ વર્ષથી સૌથી વધુ કમાણી કરતો યુટ્યૂબર હોવાની બાબત નોંધનીય છે. ગત વર્ષે તેણે ૧૯૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કોરોનાના કારણે આખી દુનિયાને આર્થિક કટોકટીએ ભરડો લીધો છે ત્યારે રેયાનની આવકમાં ૨૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
રેયાનની કંપની કુલ ૯ યુટ્યૂબ ચેનલ ચલાવે છે. જેમાં ‘રેયાન્સ વર્લ્ડ’ના સૌથી વધુ ૨.૭ કરોડ સબસ્ક્રાઇબર છે. ટોયઝ બનાવતી કંપનીઓ રેયાનના વીડિયોથી પ્રભાવિત થઇને પોતાના ઉત્પાદનોની સ્ટ્રેટેજી ઘડે છે. રેયાનની યુટ્યૂબ ચેનલ પર સ્પોન્સર્ડ કન્ટેન્ટમાં અસ્પષ્ટતા અંગે ફરિયાદ પણ થઇ ચૂકી છે. અમેરિકામાં ટ્રુથ એન્ડ એડવર્ટાઇઝિંગ નામની સંસ્થાને ફેડરલ ટ્રેડ કમિશનમાં ચેનલની ફરિયાદ કરી હતી.
૩ વર્ષની ઉંમરે પહેલો વીડિયો
રેયાન ૨૦૧૫થી યુટ્યૂબ પર છે. નાના રેયાનને યુટ્યૂબ પર વીડિયો જોવાની ટેવ હતી. તેણે નિર્દોષભાવે તેની માતા લોનને કહ્યું કે તે પણ અન્ય બાળકોની જેમ યુટ્યૂબ પર આવવા માગે છે. લોન ગુઆને માર્ચ ૨૦૧૫માં લેગો ટ્રેનથી રમતા રેયાનનો વીડિયો બનાવ્યો અને યુટ્યૂબ પર અપલોડ કરી દીધો. શરૂ શરૂમાં તો વીડિયોઝને કંઇ ખાસ રિસ્પોન્સ ન મળ્યો પણ જુલાઇ પછી દર મહિને વીડિયોઝને બમણા વ્યૂ મળતા લાગ્યા. રેયાનને વીડિયોને રિસ્પોન્સ એટલો પ્રચંડ મળતો હતો કે તે જોઇને માતા લોને કેમિસ્ટ્રી ટીચરની નોકરી છોડી દીધી અને બધો સમય રેયાનની યુટ્યૂબ ચેનલને આપવા લાગી.
હવે એજ્યુકેશનલ વીડિયો પર ફોક્સ
રેયાને યુટ્યુબ પર સૌપ્રથમ ટોયઝ વિશે જણાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆત એક ટોયના અનબોક્સિંગ અને તેના રિવ્યુ સાથે થઇ. ધીમે ધીમે તે એક વારમાં ૧૦૦ જેટલા ટોયઝના રિવ્યુ કરવા લાગ્યો. હવે તેની ટીમનું ફોક્સ એજ્યુકેશનલ વીડિયોઝ પર છે. રેયાનની માતા કેમિસ્ટ્રી ટીચર હતી. તેથી તેણે ધીમે ધીમે એજ્યુકેશનલ વીડિયોઝ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. તે એજ્યુકેશનલ કન્ટેન્ટ સાથે ડુ ઇટ યોરસેલ્ફ કેટેગરીમાં વૈજ્ઞાનિક પ્રયોગો કરે છે. તેના શો ટીવી ચેનલ નિક અને રોકૂ ટીવી પર પણ પ્રસારિત થાય છે.
૯ ચેનલ, અઠવાડિયે ૨૫ વીડિયો રિલીઝ
૨૦૧૭માં રેયાનના પરિવારે સનલાઇટ એન્ટરટેઇમેન્ટ કંપની બનાવી. કંપનીનું બધું કામકાજ તેના માતા-પિતા લોન અને શિયોન ગુઆન સંભાળે છે. કંપનીમાં વીડિયોગ્રાફર, એડિટર્સ, એનિમેટર્સ, લેખક અને વોઇસઓવર આર્ટિસ્ટ મળીને કુલ ૩૦ લોકોની ટીમ છે. તેઓ લાઇવ એક્શન અને એનિમેટેડ કન્ટેન્ટ બનાવે છે. આ ક્રિયેટિવ ટીમ રેયાન્સ વર્લ્ડ, રેયાન્સ વર્લ્ડ એસ્પેનોલ, ઇક ડુડલ્સ, રેયાન્સ ફેમિલી રિવ્યુ, વીટ્યૂબર્સ, કોમ્બો પાન્ડા, ધ સ્ટુડિયો સ્પેસ, જાપાનીઝ યુટ્યુબ ચેનલ વગેરે પર અઠવાડિયે ૨૫ વીડિયો રિલીઝ કરે છે.
અભ્યાસ, કોંડિંગ અને ટેક્વાન્ડો
રેયાન ટેક્સાસની ટેક યુનિવર્સિટી સ્કુલમાં ભણે છે. પરિવારમાં બે નાની બહેન છે. પિતા શિયોન જાપાની છે જ્યારે માતા લોન વિયેતનામી છે. લોને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રેયાન સ્કૂલેથી આવીને વીક ડેઝમાં ૧ કલાક અને વીકેન્ડમાં ૩ કલાક શૂટ કરે છે. વીક ડેઝમાં તેની ઇચ્છા ન હોય તો શૂટિંગ નથી થતું. તેને તેનું બાળપણ જીવવા માટે વધુમાં વધુ સમય મળે તે માટે સેટ પર બધી જ તૈયારીઓ પહેલેથી થઇ જાય છે. એ તેના શોખ પૂરા કરવા માટે પૂરતો સમય કાઢી શકે છે. તેને સ્વિમિંગ, કમ્યુટર કોડિંગ અને ટેક્વાન્ડો પસંદ છે.