આ ભારતવંશીઓને મળી શકે છે મહત્ત્વપૂર્ણ જવાબદારી

Wednesday 11th November 2020 05:36 EST
 
 

વિશ્વના સૌથી વધુ શક્તિશાળી અને સૌથી જૂની લોકશાહી ધરાવતા દેશ અમેરિકામાં એક લાંબી પ્રક્રિયાને અંતે પ્રમુખપદની ચૂંટણી સંપન્ન થઇ ચૂકી છે. અમેરિકાને ૪૬મા પ્રમુખના રૂપમાં જો બાઇડેન અને ઉપપ્રમુખ પદે કમલા હેરિસ મળી ચૂક્યાં છે. હવે લોકોમાં બાઇડેનના વહીવટીતંત્ર અને સંભવિત ટીમ વિશે ચર્ચાએ જોર પકડયું છે. એવું માનવામાં આવે છે કે બાઇડેનની ટીમમાં ભારતવંશીઓને પણ મહત્ત્વની ભૂમિકા મળશે.
પ્રમુખપદનું ચૂંટણી પરિણામ સ્પષ્ટ થયા પછી બાઇડેન ટીમ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમની પ્રાથમિકતા કોરોના મહામારીને અંકુશમાં લેવાની રહેશે. તે માટે બાઇડેને ટાસ્ક ફોર્સની રચના કરી છે અને આ ટીમની જવાબદારી ભારતવંશી ડો. વિવેક મૂર્તિને સોંપી છે. પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં વિવેક મૂર્તિ અમેરિકાના સર્જન જનરલ હતા. તો રાજ ચેટ્ટી બાઇડેનને આર્થિક મુદ્દે સલાહ આપનારી ટીમના સભ્ય છે.
એવું મનાઇ રહ્યું છે કે રાજ ચેટ્ટીને બાઇડેન સરકારમાં મોટી જવાબદારી મળી શકે છે. તો અમિત જાની બાઇડેન ટીમમાં પોલિટિકલ કેમ્પેનર છે. અમિત દક્ષિણ એશિયાઇ સમુદાયના લોકોને પોતાના પક્ષે રાખવામાં હંમેશાં સફળ રહ્યા છે. વિનય રેડ્ડી બાઇડેન માટે ભાષણો તૈયાર કરવાની કામગીરી કરે છે. બાઇડેનની ટીમમાં તેમને પણ સ્થાન મળી શકે છે.
આ ઉપરાંત સોનલ શાહ, ગૌતમ રાઘવન, વનીત ગુપ્તાએ પણ બાઇડેનના વિજયમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. હવે આ બધામાંથી બાઇડેન ટીમમાં કોને સ્થાન મળશે તેના પર બધાની નજર ટકેલી છે.

અમિત જાની બાઈડેન માટે મોટો સપોર્ટ

મૂળ ગુજરાતી અમિત જાની ખૂબ જ યુવાન વયે અમેરિકી ચૂંટણી અને રાજકારણમાં સક્રિય થઈ ગયા છે. બાઈડેનને એશિયનો અને ખાસ કરીને ભારતીયોના મત મળે તે માટે અમિત જાનીની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી છે. ગુજરાતી ઈમિગ્રન્ટ માતા-પિતાનું સંતાન અમિત જાની પોલિટિકલ સાયન્સના જાણકાર અને સ્કોલર પણ છે. આ ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી મેળવવા સાથે સાથે તેમણે અનેક પોલિટિકલ કેમ્પેનનું સફળ સંચાલન પણ કરેલું છે. તેમણે હાઉસ રિપ્રેઝન્ટેટિવ જૂડી ચો, કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન સાથે કામ કર્યું છે. તે ઉપરાંત સેનેટર બોબ મેકેન્ઝી અને ગવર્નર ફીલ મર્ફી માટે કેમ્પેન કરીને તેમને વિજયી બનાવ્યા હતા.
અમિત જાની પોલિટિકલ પોલરાઈઝેશન માટે ખૂબ જ જાણીતા છે. એશિયનોના મતો કેવી રીતે અંકે કરવા તેની તેમને ઉંડી સમજ છે. આ બાબતનો ફાયદો બાઈડેનને પણ થયો છે. રસપ્રદ વાત એ છે કે અમિત જાની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પણ સમર્થક છે.

સંજીવ જોષીપુરા અને સબરિના સિંહને પણ ઉજળી તક

સંજીવ જોષીપુરાનું મુખ્ય કાર્ય જો બાઇડેન અને કમલા હેરિસ માટે ભારતીયોનું સમર્થન મેળવવાનું રહ્યું છે. ઇન્ડિયન્સ ફોર નેશનલ કાઉન્સિલના નેજા હેઠળ રચાયેલા સાઉથ એશિયન્સ ફોર બાઇડેન સંગઠનનું જોષીપુરા અધ્યક્ષપદ સંભાળે છે. હેરિસને ભારતના તમામ ધર્મોના લોકોનું સમર્થન મળે તે માટે તેઓ સક્રિય હતા. તો ઉપ પ્રમુખના પ્રેસ સચિવ સબરિના સિંહનો પરિવાર અમેરિકામાં સારી વગ ધરાવે છે. અમેરિકી રાજકારણમાં તેમની સારી વગ છે. આ બંનેને પણ બાઇડેનની ટીમમાં ભૂમિકા મળવાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter