ન્યૂ જર્સીઃ અમેરિકાના આ મહાનગરમાં વસતું દંપતી ડિનર માટે રેસ્ટોરાંમાં ગયું હતું. ડિનર બાદ દંપતી વચ્ચે આઈસક્રીમ ખાવાના મુદ્દે ખેંચતાણ થઇ. પત્નીને આઇસક્રીમ ખાવો હતો જ્યારે પતિ લોટરીની ટિકિટો ખરીદવાની જીદે ચઢ્યો હતો. આપણે સહુ જાણીએ છીએ કે યુકે હોય - યુએસ હોય કે ઇંડિયા હોય, પતિ અને પત્નીની ખેંચતાણમાં પત્નીનું પલ્લુ જ ભારે રહેતું હોય છે. પણ આ કિસ્સામાં પત્નીએ નમતું જોખ્યું અને તેમને કલ્પનાતીત ફાયદો થયો. દંપતીએ સ્ટોરમાંથી લકી સેવન ડેઇલીની 10 ડોલરની એક અને 3-3 ડોલરની બે એમ કુલ ત્રણ ટિકિટ ખરીદી. તેમાંથી એક ટિકિટને 1.5 મિલિયન ડોલર (લગભગ રૂ. 12.85 કરોડ)નું ઈનામ લાગતાં તેમની જિંદગી જ બદલાઈ ગઈ. દંપતી પાસે ઈનામની રકમ એક સાથે લેવી કે 25 વાર્ષિક હપ્તામાં લેવી એમ બે વિકલ્પ હતા. એક સાથે રકમ લે તો ટેક્સ કપાઈને 8.75 લાખ ડોલર મળે જ્યારે હપ્તામાં પૂરા 1.5 મિલિયન ડોલર મળતા હતા. ઈનામની રકમ લેવાનો નિર્ણય પતિએ પત્ની પર છોડતાં તેણે 25 હપ્તાનો વિકલ્પ પસંદ કર્યો છે.